લંડનઃ આજના ગળાકાપ સ્પર્ધાના યુગમાં ચર્ચામાં રહેવા માટે લોકો જાતભાતના ગતકડાં કરતાં હોય છે અને તેમાં પણ કમાણીની વાત હોય ત્યારે સમાચારોમાં ચમકતા રહેવું પણ જરૂરી છે. લંડનમાં આવતા મહિને એક રેસ્ટોરાં શરૂ થઇ રહ્યું છે, જેનો પ્રચાર નેકેડ રેસ્ટોરાં તરીકે થઇ રહ્યો છે. રેસ્ટોરાંમાં પ્રવેશની પાયાની શરત છે નિર્વસ્ત્ર થવાની. 'ધ બુનિયાદી' જેવું હિન્દી નામ ધરાવતા આ રેસ્ટોરાંની બીજી મહત્ત્વની વાત એ છે કે, સમરમાં શરૂ થઇ રહેલું રેસ્ટોરાં ફક્ત ત્રણ મહિના માટે જ ખુલી રહ્યું છે.
રેસ્ટોરાં ક્યાં શરૂ થઇ રહ્યું છે તે સ્થળનું નામ તો જાહેર કરાયું નથી, પણ એટલી માહિતી અપાઇ છે કે તે સેન્ટ્રલ લંડનમાં હશે. રેસ્ટોરાં ભલે શરૂ ન થયું હોય, પણ તેનો પ્રચાર જોરશોરથી કરાઇ રહ્યો છે જેમાં તેના મેનુ અને શરતોને વિશેષ મહત્ત્વ અપાઇ રહ્યું છે. જૂન મહિનાથી શરૂ થઇ રહેલા રેસ્ટોરાંમાં અત્યારથી વેઇટિંગ લિસ્ટ શરૂ થઈ ગયું છે. પાંચ હજારથી વધુએ નામ નોંધાવ્યા છે.
રેસ્ટોરાંના સ્થાપક સેબ લિયોલ કહે છે કે આ રેસ્ટોરાંનો મૂળ ઉદ્દેશ તો લોકોને ખરા અર્થમાં મુક્તિનો અનુભવ કરાવવાનો છે. તેમનો દાવો છે કે રેસ્ટોરાંનાં મુલાકાતીઓની પ્રાઇવસી જળવાય રહે અને વિચારોનું આદાનપ્રદાન કરી શકે તે માટે અલગ અલગ પાર્ટીશન બનાવવા માટે અમે ખાસ્સી જહેમત ઉઠાવી છે.
રેસ્ટોરાંમાં આવતા મુલાકાતીને હોટેલ સ્ટાફ ચેંજિંગ રૂમમાં લઈ જશે. જ્યાં કસ્ટમરે કપડાં ઉતારીને લોકરમાં મૂકવાના રહેશે. ત્યારબાદ તેને પારદર્શક ગાઉન અપાશે, જે પહેરીને તે ટેબલ પર જઈ શકશે. આ ગાઉન ઉતારવું કે નહીં તેનો નિર્ણય ગ્રાહકે કરવાનો રહેશે. કસ્ટમર મોબાઇલ સહિત કોઇ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી શકશે નહીં.
રેસ્ટોરાં માટે શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના ભોજનના મેનુ તૈયાર કરાયા છે. અહીં ભોજન બનાવવા ગેસનો ઉપયોગ નહીં કરાય, પણ લાકડાં બાળીને ભોજન તૈયાર કરાશે. ભોજનને હાથેથી બનેલા માટીના વાસણોમાં સર્વ કરાશે. રેસ્ટોરાંમાં વીજળીના સ્થાને કેન્ડલ લાઇટની વ્યવસ્થા હશે તો આર્ટિફિશિયલ કલરોનો ઉપયોગ પણ કયાંય કરાશે નહીં. રેસ્ટોરાંની પંચ લાઇન છે 'એક્સપિરિયન્સ ટ્રુ લિબરેશન’ (સાચી આઝાદીનો અનુભવ).