જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરના હૃદયેશ્વર સિંહ ભાટીને આવતા પખવાડિયે ૨૨ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત થશે. ૧૭ વર્ષના હૃદયેશ્વરનું આખું શરીર ડ્યુશિન સિન્ડ્રોમના કારણે લકવાગ્રસ્ત છે. તેની આંગળીઓ સતત ધ્રૂજતી રહે છે, પણ તેનો જુસ્સો જોવા જેવો છે. લોકો તેને નાનો સ્ટીફન હોકિંગ્સ અને અને પ્રેમથી હાર્ડી પણ કહે છે.
હાર્ડીએ માત્ર નવ વર્ષની વયે ગોળાકાર ચેસની શોધ કરી છે, જેને તે મલ્ટીલેયર સર્ક્યુલર ચેસ તરીકે ઓળખાવે છે. તેને ત્રણ અલગ અલગ આકારમાં બનાવી છે. જેમાંથી એક ચેસમાં ૬, બીજામાં ૧૨ અને ત્રીજા ચેસને એકસાથે ૬૦ લોકો રમી શકે છે. એટલું જ નહીં, પ્રથમ ચેસને ૧૧ પ્રકારે, બીજીને ૨૭ પ્રકારે અને ત્રીજીને ૬૨ પ્રકારે રમી શકાય છે. આમ કુલ ૧૦૦ પ્રકારે આ અનોખી ચેસ રમી શકાય છે. જાપાને બાવન પ્રકારે રમી શકાય તેવી ચેસ બનાવી છે. આમ હાર્ડીએ તેનો રેકોર્ડ તોડ્યો છે.
હાર્ડી ૮ વર્ષની વયે પિતા સાથે ચેસ રમતો હતો. એ સમયે કેટલાક મિત્રો તેના ઘરે આવ્યા અને તેમણે પણ ચેસ રમવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતાએ કહ્યું કે, ચેસ તો બે ખેલાડી માટે જ બની છે. એ સમયે હાર્ડીએ એવી ચેસ બનાવાનો નિર્ણય કર્યો કે જેને બે કરતાં વધુ લોકો રમી શકે. તેણે ૬ મહિના સુધી રિસર્ચ કર્યું અને પછી તે બનાવવાના કામે લાગી ગયો.
હાર્ડી જીવનની દરેક બાજીને પોતાના હસમુખા સ્વભાવ અને સકારાત્મક વિચારોથી જીતી લે છે. તેના મિત્રો તેને હીરો માને છે. હાર્ડી કહે છે કે, સૌથી મોટી વિકલાંગતા આત્મવિશ્વાસનો અભાવ હોય છે. જે ચાલી શકતા નથી, તેઓ આત્મવિશ્વાસના બળે ઉડી શકે છે.
હાર્ડીના માતા ડો. મીનાક્ષી કંવર સ્કૂલમાં અંગ્રેજીનાં શિક્ષિકા છે, જ્યારે પિતા સરોવર સિંહ ભાટે મેથ્સમાં નેશનલ એવોર્ડ વિજેતા છે.
સ્કૂલ છૂટી ગઈ, પણ તેના નામે ૭ પેટન્ટ છે
સરકારે હાર્ડીને મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ક્રિએટિવ ઈન્વેન્ટર ટીન એવોર્ડ આપ્યો છે. તેની નામે ૭ પેટન્ટ બોલે છે. જેમાં ૬૦ ખેલાડી માટે બનાવેલી ચેસનો પણ સમાવેશ થાય છે. હાર્ડી સ્કૂલે જઈ શક્તો નથી, પરંતુ ઘરે પેસીને આખી દુનિયાને યુનિવર્સિટી બનાવીને તાલીમ મેળવે છે. તે દરરોજ ૧૦ કલાક ઈન્ટરનેટ અને ટીવી દ્વારા દેશ-દુનિયાની માહિતી મેળવે છે. તેને ભારતીય, પશ્ચિમી સંગીત ગમે છે.