લક્ઝુરિયસ કાર કે બંગલો કરતાં પણ મોંઘેરો છે ઘોલુ-ટુ

Saturday 15th April 2023 08:01 EDT
 
 

લખનઉ: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આયોજિત પશુ મેળામાં એક મહાકાય પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં પાંચ ફૂટ સાત ઈંચની ઊંચાઈ ધરાવતા પાડા ઘોલુ-2એ સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. આ પાડાનું વજન આશરે 1600 કિલોગ્રામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, ઘોલુ-2ને ખરીદવા માટે તેના માલિકને રૂપિયા 10 કરોડની ઓફર આપવામાં આવી હતી. હાલમાં તેની કિંમત સિવાય તેના રંગ-રૂપને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
ઘોલુ-2ના માલિક હરિયાણાના પાણીપતના નિવાસી છે. તેઓ ઘોલુ-2ને લઈને મુઝફ્ફરનગરમાં આયોજિત પશુ મેળામાં પહોંચ્યા છે. ઘોલુ-2 એક ચેમ્પિયન પરિવારમાંથી આવે છે. તેની માતાનું નામ રાની અને પિતાનું નામ પીસી-483 છે. જ્યારે, તેના દાદા ઘોલુ તો સતત 11 વર્ષ સુધી નેશનલ ચેમ્પિયન રહી ચૂકયા છે. તો ઘોલુ-2 પણ 6 વર્ષ સુધી નેશનલ ચેમ્પિયન રહ્યો છે.
હાલમાં જ હરિયાણાના દાદરીમાં યોજવામાં આવેલી સ્પર્ધામાં તે રૂપિયા 5 લાખનું ઈનામ જીતી ચૂકયો છે. ઘોલુ-2ના પશુપાલક માલિકે જણાવ્યું કે, તે દિવસભરમાં 30 કિલોગ્રામ સૂકું ઘાસ અને 10 કિલોગ્રામ ચણાનો ખોરાક આરોગે છે. તેના ખોરાક પાછળ જ માસિક રૂપિયા 30,000નો ખર્ચ આવે છે. પરંતુ, તેની પાછળ કરવામાં આવતા ખર્ચ કરતાં તે પોતાના માલિકને અનેક ગણી કમાણી કરી આપે છે. ઘોલુ-2ના માલિકના જણાવ્યા અનુસાર, તે વાર્ષિક 30 થી 40 કરોડ રૂપિયાની કમાણી કરી આપે છે. રિપોર્ટ મુજબ, ઘોલુ-2ના વીર્યની માંગ ભારતભરમાં મોટા પાયે જોવા મળી રહી છે. ઘોલુ-2ના રહેવા માટે ઉત્તમ સુવિધાની સાથે તેના માલિકે તેના માટે એક વિશાળ સ્વિમિંગ પૂલનું પણ નિર્માણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter