ભુવનેશ્વરઃ ઓડિશાના ૬૫ વર્ષીય રમેશચંદ્ર સ્વેઈને ૪૩ વર્ષમાં ભારતના સાત રાજ્યોની ૧૪ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જોકે, છેતરપિંડીના પગલે તેની ધરપકડ કરાઈ હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના માટે પોતે પરણવા માગતો હોવાની વાત મહિલાઓને ગળે ઉતારવાનું ખૂબ સહેલું હતું. ગૂમ થઈ જતાં પહેલા તે મહિલાઓને તેમની મિલ્કત અથવા નાણાં પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેતો હતો. અન્ય પત્નીઓના મેસેજ વાંચીને તેની ૧૪મી અને છેલ્લી પત્નીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. તે સારી જોબ કરતી આધેડ વયની કમ્પેનિયનશીપ અથવા લગ્ન કરવા ઈચ્છતી ડિવોર્સી ટીચર, ડોક્ટર અને વકીલ સહિતની મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. તે હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રીમાં ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ હોવાનું કહેતો. આ હોદ્દાને લીધે તેને ભારતના અલગ અલગ રાજ્યોમાં તબીબી સુવિધાઓની ચકાસણી કરવા જવું જરૂરી હોવાનું કહેતો. આ જૂઠ્ઠાણાથી તે તેની પત્નીઓને જરા પણ શંકા ન જાય તે રીતે સમય ગાળી શકતો હતો. સ્વેઈનને તેની પ્રથમ બે પત્નીઓથી પાંચ સંતાનો છે. પોલીસના જણાવ્યા મુજબ તેણે ૧૯૭૯માં પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ, ૨૦૧૦થી તેણે સારું કમાતી સુશિક્ષિત મહિલાઓને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું હતું.