જમ્મુઃ દુનિયામાં ફેશન શો તો અનેક યોજાતા હોય છે, પરંતુ લદ્દાખમાં ચીન સરહદથી નજીક સમુદ્રની સપાટીથી 19,024 ફૂટ ઊંચે યોજવામાં આવેલા ફેશન શોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
વાઈબ્રન્ટ લદ્દાખ અંતર્ગત યોજવામાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન રનવે માં 14 દેશોની મોડેલ્સે કેટવોક કર્યું હતું અને લદ્દાખની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં. આ દુનિયાની સૌથી ઊંચી જગ્યા પર આયોજિત ફેશન શો હતો, જેમાં લદ્દાખની બે મોડેલ્સ પણ સામેલ થઈ હતી. 30 મિનિટના આ અનોખા આયોજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે.
લદ્દાખ વહીવટી તંત્ર, લદ્દાખ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને લદ્દાખ આર્ટ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એલાયન્સ દ્વારા આર્મી અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં, વસુધૈવ કુટુમ્બકમના સંદેશ સાથે લદ્દાખની જીઆઈ ટેગવાળી પશ્મિનાનું પ્રદર્શન કરાયું હતું.
આ ફેશન શોની એક બીજી વિશેષતા એ પણ હતી કે તેમાં ભાગ લેનારી મોડેલ્સ પોતાની સાથે પોતાના દેશની રેતી લઇને આવી હતી. આ રેતીનો ઉપયોગ ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે કરવામાં આવશે. આ મૂર્તિની આધાર શિલા આ કાર્યક્રમ દરમિયાન ઉમલિંગ લા ખાતે રાખવામાં આવી હતી.