મુદ (લદ્દાખ)ઃ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે પાંચ વર્ષથી ચાલતો તણાવ હવે લગભગ પૂરો થવાના આરે છે, પણ આ તણાવ વચ્ચે પણ ભારતે એ દૂરઅંતરના વિસ્તારમાં અનેક મહત્ત્વના પ્રોજેક્ટ લગભગ પૂરા કરી નાખ્યા છે. તેમાંનો જ એક છે દેશનું સૌથી ઊંચું એરફિલ્ડ, જે અત્યારે પૂર્વ લદ્દાખના ન્યોમા ઉપખંડના મુદ ગામમાં 13,700 ફૂટ (4175.76 મીટર) ઉપર આકાર લઈ રહ્યું છે. તેના ત્રણ કિમી લાંબા રનવેનું 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. એટીસીનું કામ પૂરું થતાંની સાથે જ આગામી વર્ષે એરફિલ્ડ સેના માટે ઉપયોગમાં આવશે. પ્રોજેક્ટ હિમાંક હેઠળ સેનાની સરહદે રોડ્સ ટાસ્ક ફોર્સ ટીમ માઇનસ 4 ડિગ્રી તાપમાનમાં કામ કરી રહી છે. બીઆરટીએફ કમાન્ડર કર્નલ પોનુંગ ડોર્મિંગના કહેવા પ્રમાણે એલએસીથી માત્ર 35 કિમી અને લદ્દાખથી 200 કિમી દૂર આવેલું આ એરફિલ્ડ દેશનું સૌથી ઊંચું હવાઈમથક હશે. કર્નલના રેન્ક પર બઢતી મેળવનારાં કર્નલ ડોર્મિંગ અરુણાચલનાં પ્રથમ મહિલા સૈન્ય અધિકારી છે.
ભારે શસ્ત્રો માત્ર 2 કલાકમાં સરહદે પહોંચશે
અંદાજે 15,300 ફૂટ ઉપર હાનલેમાં ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા કર્નલ ડોર્મિંગે કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ એરફિલ્ડનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેને કેસીસી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ બનાવે છે અને ખર્ચ 218 કરોડ રૂપિયા છે. અત્યારે 250 મજૂર માઇનસ 4 ડિગ્રીમાં કામ કરે છે. આવતા વર્ષે અહીં તમામ પ્રકારનાં સંરક્ષણ વિમાન સરળતાથી ઊતરી શકશે. અત્યારે એલએસી પર ભારે સંરક્ષણ સાધનો પહોંચાડવા હોય તો પહેલાં 200 કિમી દૂર લેહસ્થિત કેબીસી એરપોર્ટ લાવવા પડે છે. પછી ત્યાંથી સડક માર્ગે એલએસી લવાય છે, પણ નવું એરફિલ્ડ બન્યા પછી માત્ર 2 કલાકમાં ભારે હથિયાર એલએસી પહોંચી જશે. અહીં શિયાળામાં માઇનસ 35 ડિગ્રી તાપમાન હોય છે તેમ છતાં અમે કામ અટકાવ્યું નહોતું.