બારિપાડાઃ પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી કોરોનાની દવા બની શકે તેમ છે કે કેમ તે ચકાસવા ઓડિસા હાઇ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય તથા કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (આઈસીએમઆર)ને આદેશ અપાયો છે. આ બાબતે ત્રણ મહિનામાં તપાસ કરી અહેવાલ આપવા જણાવાયું છે. હાઈ કોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી થઇ હતી.
કોરોના વાઇરસની સામે દેશ અને દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગેલા છે. જોકે, કેટલાક દેશો રસી શોધવામાં સફળ થયા છે, પરંતુ હજુ ૧૦૦ ટકા કોરોના વાયરસની સારવારની ગેરંટી આપતી કોઈ દવા કે રસી શોધી હોવાનો દાવો કરી શકાય તેમ નથી.
દરમિયાન પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા આરોગવામાં આવતી લાલ કીડીની ચટણી કદાચ કોરોના સામે કારગર દવા બની શકે તેમ છે તેવો દાવો થયો છે. ઓડિસા અને છત્તીસગઢ સહિત કેટલાય રાજ્યોમાં આદિવાસી લોકો લાલ કીડીની ચટણીનું સામાન્ય ભોજન ઉપરાંત એક ઔષધ તરીકે પણ સેવન કરે છે. આ ચટણીનો ઉપયોગ સૂપ તરીકે તાવ, ખાંસી, સામાન્ય શરદી, શ્વાસ લેવામાં તકલીફ થાક અને અન્ય બીમારીથી છુટકારો મેળવવા માટે કરાઇ રહ્યો છે. આ ચટણી મુખ્ય રીતે લાલ કીડી અને લાલ મરચાના મિશ્રણથી બને છે.
બારિપાડાના એક એન્જિનિયર નાયધારા પઢિયાલે હાઈ કોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી. અરજી સંદર્ભમાં જસ્ટિસ બી.આર.સારંગી તથા જસ્ટિસ પરમાર્થ પટનાઈકની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે કોર્ટ આ કેસના મેરિટ અંગે કોઇ અભિપ્રાય આપ્યા વિના આયુષ મંત્રાલયના મહાનિર્દેશક તથા સીએસઆઈઆરના મહાનિર્દેશકને અરજીમાં થયેલી રજૂઆતો ધ્યાને લઈ ત્રણ મહિનામાં યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો છે.