પલક્કડઃ કેરળના ઉત્તર પલક્કડ જિલ્લાના જાણીતા એડવોકેટ પી. બાલાસુબ્રમણ્યમ્ મેનને સૌથી લાંબા સમય સુધી વકીલાત કરવાનો અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો છે. ગિનીસ બુકનું કહેવું છે કે 97 વર્ષીય મેનન 73 વર્ષ 60 દિવસથી વકીલાતમાં સક્રિય છે. મેનન પહેલાં સૌથી વધારે લાંબા સમય સુધી વકીલાત કરવાનો રેકોર્ડ જિબ્રાલ્ટરના સરકારી વકીલ લુઇસ ટ્રાયના નામે હતો. ટ્રાયે 70 વર્ષ 311 દિવસ સુધી વકીલાત કરીને રેકોર્ડ સર્જ્યો હતો. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં 94 વર્ષની વયે લુઇસનું નિધન થયું છે.
યુવા વયના કોઇ પણ ઉત્સાહી વકીલની જેમ મેનન આ ઉંમરે પણ વકીલાતના વ્યવસાયમાં સક્રિય છે. તેઓ આજે પણ દરરોજ પોતાની ઓફિસે જાય છે અને કોર્ટમાં નિયમિત હાજરી આપે છે. પોતાના ક્લાયન્ટોને દરરોજ મળે છે. મેનન કોઈ પણ પ્રકારની પરેશાની વગર આ તમામ કામો કરે છે. એક કાર્યક્રમમાં મેનને કહ્યું હતું કે જ્યારે કોઇ પાર્ટી પોતાનો કેસને લઇને મારી પાસે આવે છે ત્યારે તેમનો મારા પર વિશ્વાસ હોય છે. હું તેમના માટે જે કંઇ પણ કરવાનું હશે તે કરીશ. મેનને પોતાની કાર્યપદ્ધતિ વાત કરતા કહ્યું છે કે તેઓ કોર્ટમાં લાંબી ચર્ચા કરવામાં વિશ્વાસ રાખતા નથી. તેઓ પોતાની દલીલો શક્ય બને તેટલી નાની રાખે છે.
કોઇ જ્યારે તેમને નિવૃત્તિ ક્યારે લેવી છે એવો સવાલ કરે છે ત્યારે મેનન હસી પડે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી મારું શરીર સાથ આપશે અને મારી તબિયત સારી રહેશે ત્યાં સુધી વકીલાતની પ્રેક્ટિસ જારી રાખશે. મેનને આશા વ્યક્ત કરી છે કે તેમના આ રેકોર્ડ બીજાને પ્રેરિત કરશે.