ચેન્નઈઃ તામિલનાડુમાં એક વ્યક્તિ કાયદાની પદવી વિના જ ૨૧ વર્ષ સુધી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પદે ફરજ બજાવીને નિવૃત્ત થઈ અને હવે પેન્શન પણ મેળવી રહી છે. શંકાના આધારે સુપ્રીમ કોર્ટે આરોપી મેજિસ્ટ્રેટની પદવીની તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઘટનાને પગલે તામિલનાડુ ન્યાયિક સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
કાઉન્સિલ ઓફ તામિલનાડુએ આરોપી અને મુદાઈના પૂર્વ મેજિસ્ટ્રેટ પી. નટરાજન્ વિરુદ્ધ વિશેષ તપાસ ટીમની રચના કરી છે. રસપ્રદ બાબત તો એ છે કે આરોપી એવા નિવૃત્ત જજ નટરાજન હાલમાં સરકારી પેન્શન પણ લઈ રહ્યા છે અને હાલમાં વકીલ તરીકે તામિલનાડુમાં જ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. તામિલનાડુ બાર કાઉન્સિલે નટરાજનને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે કે તેમની વકીલ તરીકેના રજીસ્ટ્રેશનને રદ શા માટે ના કરવામાં આવે? નોટિસનો જવાબ આપતાં નટરાજને પણ કહ્યું છે કે મેં બે દસકા સુધી ન્યાયિક સેવામાં ફરજ બજાવી છે અને મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો ખોટો છે.
જવાબમાં નટરાજને એવો દાવો પણ કર્યો છે કે તેણે મૈસૂર યુનિવર્સિટી સાથે સંકળાયેલી શારદા લો કોલેજમાંથી બીજીએલ (બેચલર ઓફ જનરલ લો)નો કોર્સ કર્યો છે.