વોરસોઃ ભગવાન જ્યારે શરીરમાં કોઈ ખામી આપે છે ત્યારે સૂઝબૂઝ એટલી જ ઠાંસી ઠાંસીને આપે છે. પોલેન્ડનો મેરીઅઝ કેઝીએર્સ્કી નામનો ૨૩ વર્ષનો યુવક હાથ વિના જન્મ્યો છે. તેને હાથના નામે લગભગ અડધી લંબાઈનું અવિક્સિત હાડકું છે. હાડકાંની આ ખાંચમાં તેણે પીંછી અને પેન્સિલ પકડીને અદભૂત આર્ટ રચી છે. છેલ્લા સાત વર્ષમાં તેણે ૧૫ હજાર કલાક ચિત્રો દોરીને લગભગ ૭૦૦ આર્ટવર્ક્સ તૈયાર કર્યા છે. મોટાભાગના ચિત્રો દોરતાં તેને એવરેજ વીસથી ત્રીસ કલાક લાગ્યા છે.
મેરીઅઝનું કહેવું છે કે હું નાનો હતો ત્યારે ભગવાનને ખૂબ ફરિયાદ કરતો કે શા માટે મને જ હાથ નહીં? બીજા બધાને જ્યારે નોર્મલ એક્ટિવિટી કરતા જોતો ત્યારે મને ખૂબ હિણપત અનુભવતો હતો. હાથ લગાવવા માટેની તેના પર કેટલીક સર્જરીઓ પણ કરાવવામાં આવી. ૧૬ વર્ષની ઉંમરે છેલ્લી સર્જરી પણ નિષ્ફળ ગઈ ત્યારે તેણે પોતાની આ સ્થિતિને સ્વીકારી લીધી.
મેરિએઝે ડિપ્રેશનને દૂર કરવા એકાંતમાં ડ્રોઈંગ કરવાનું શરૂ કર્યું અને એમાંથી જે આર્ટ નીકળી એ પાછી હવે ભાઈ માને છે કે ભગવાને જે કર્યું એ સારું કર્યું. આમ ન થયું હોય તો કદાચ એ ચિત્રકળામાં આટલો ઊંડો ડૂબી શક્યો ન હોત. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવા લોકો માટે ઉપયોગમાં લીધેલો શબ્દ ‘દિવ્યાંગ’ તમને એકદમ યોગ્ય નથી લાગતો?