વચનેષુ કિં દરિદ્રતાઃ તમિલનાડુના ઉમેદવારનું ધુપ્પલ દરેક પરિવારને હેલિકોપ્ટર, બંગલો, ચંદ્ર પર વેકેશનનું વચન

Thursday 01st April 2021 06:50 EDT
 
 

મદુરાઇઃ વચનેષુ કિં દરિદ્રતા... આ શબ્દો કદાચ રાજકારણીઓને ધ્યાનમાં રાખીને જ લખાયા હશે. ચૂંટણી આવે એટલે રાજકારણીઓ મતદારોને આકર્ષવા માટે જાતનભાતના વચનોની લ્હાણી કરતા હોય છે. અને આ વાતમાં કંઇ નવું પણ નથી. જોકે તામિલનાડુના મદુરાઇમાં તો એક ઉમેદવારે વચનોની લ્હાણી કરવામાં વિવેકબુદ્ધિ નેવે મૂકી દઇને હદ કરી નાંખી છે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલવાનારા એક અપક્ષ ઉમેદવારે વચનોની લ્હાણી કરવામાં અઠંગ રાજકારણીઓને પણ પાછળ છોડી દીધાં છે.
સાધારણ પરિવારમાંથી આવતા ૩૪ વર્ષના અપક્ષ ઉમેદવાર થુલમ સરવનને જારી કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં સરવનને જો પોતે જીતશે તો દરેક પરિવારને એક આઈફોન, કાર, હેલિકોપ્ટર, બોટ, રોબોટ, સ્વિમિંગ પૂલ સાથેનું ત્રણ માળનું મકાન, યુવાનોને રૂ. ૧ કરોડ રોકડા અને ચંદ્ર પર ૧૦૦ દિવસના વેકેશનની સુવિધા ઉપલબ્ધ બનાવશે તેવા વચન આપ્યા છે. મજાની વાત એ છે કે સરવનને ઉમેદવારી નોંધાવા માટેના રૂ ૨૦,૦૦૦ મિત્રો પાસેથી ઉછીના લીધાં છે. વચનોની વાત અહીં પૂરી નથી થતી.
તેણે આ બધા વચનો ઉપરાંત લોકોને ઉનાળામાં ગરમીના પ્રકોપથી બચાવવા માટે ૩૦૦ ફૂટ ઉંચો બરફનો પહાડ બનાવવાનું અને ગૃહિણીઓને ગૃહકાર્યમાં મદદ કરવા માટે એક-એક રોબોટ પણ આપવાનું પણ વચન આપ્યું છે.
સરવનના જણાવ્યાં અનુસાર મારો ચૂંટણી ઢંઢેરો અને તેમાં કરાયેલી વચનોની લ્હાણી એ ખરેખર તો મતદાર જાગૃતિના પ્રયાસનો એક હિસ્સો છે. રાજકીય પક્ષો નાગરિકોને મોટા મોટા સપનાં બતાવે છે પરંતુ વાસ્તવિક સમસ્યાઓ તરફ દુર્લક્ષ સેવે છે. તેઓ મતદારોને પૈસાની લાલચ આપે છે પણ શુધ્ધ હવા, પાણી કે રોજગારીની ખાતરી નથી આપતાં અને મતદારો પણ લાલચમાં આવીને સાચા નેતાની ઓળખ કરી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter