શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બની રહેલો વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ક બ્રિજ ટૂંક સમયમાં તૈયાર થઇ જશે. બ્રિજ પર ટ્રેક પાથરવાનું કામ શરૂ થઇ ગયું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તે અંગે રેલવે મંત્રાલયે લખ્યું હતુંઃ ‘ઉધમપુર-શ્રીનગર-બારામુલા ન્યૂ રેલ લિન્ક (USBRL) પ્રોજેક્ટમાં વધુ એક સીમાચિહ્ન ચિનાબ બ્રિજ પર ટ્રેક પાથરવાનું શરૂ. આ બ્રિજ તૈયાર થઇ ગયા બાદ જમ્મુ-કાશ્મીરના અંતરિયાળ ક્ષેત્રો માટે નવી સંભાવનાઓ ખોલશે.’
આ બ્રિજની વિશેષતા જોઇએ તો...
• આ રેલવેબ્રિજ પેરિસના એફિલ ટાવરથી 35 મીટરથી પણ વધુ ઊંચો હશે. કુલ ઊંચાઇ 359 મીટર
• 272 કિમી લંબાઇ હશે ઉધમપુર અને બારામુલાને જોડતી રેલવે લાઇનની
• 38 સુરંગ હશે આ પ્રોજેક્ટમાં, જેમની કુલ લંબાઇ 119 કિમી હશે.
• 12.75 કિમીની હશે સૌથી લાંબી સુરંગ