વિશ્વના સૌથી નાના બોડી બિલ્ડરે ઘરસંસાર માંડ્યો

Saturday 25th March 2023 12:39 EDT
 
 

રાયગઢઃ વ્યક્તિનું ‘કદ’ તેની ઊંચાઈ કે સુંદરતાથી નહીં, પરંતુ જિંદગી સામે ઝઝૂમવાના તેના જુસ્સાથી, તેની હિંમતથી માપવામાં આવે છે. 28 વર્ષના પ્રતીક મોહિતેનો કિસ્સો પણ આવો જ છે. માત્ર 3.3 ફૂટની ઊંચાઇ ધરાવતા પ્રતીકનું નામ વિશ્વના સૌથી નાના બોડી બિલ્ડર તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તાજેતરમાં પ્રતીકે લગ્ન કર્યા છે અને તે પણ 4 ફૂટ 2 ઈંચની કન્યા સાથે. પ્રતીકે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો-વીડિયો શેર કરતાં જ તેના પર અભિનંદનની વર્ષા થઇ છે. ફોટો-વીડિયોમાં પ્રતીક તેની જ જાનમાં એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.
પ્રતીક રાયગઢનો રહેવાસી છે અને તેની પત્ની 120 કિમી દૂર પૂણેની છે. પ્રતીકે જણાવ્યું કે 4 વર્ષ પહેલા તેના પિતાએ તેનો પરિચય જયા સાથે કરાવ્યો હતો અને તે દરમિયાન તેને જયા પસંદ આવી ગઈ હતી. પ્રતીકે કહ્યું કે હું 2018માં જયાને મળ્યો હતો અને મેં 2016માં તો બોડી બિલ્ડીંગ શરૂ જ કર્યું હતું. હું જયાને મળ્યો ત્યારે એટલો સફળ ન હતો.
જોકે હું જાણતો હતો કે લગ્ન પછી જયાની જવાબદારી મારા પર આવવાની છે. મેં જયાને કહ્યું કે, પહેલા હું મારા પગ પર ઉભો રહીશ અને પછી તેની સાથે લગ્ન કરીશ. ધીમે ધીમે સમય પસાર થયો અને મને સફળતા મળી. મારું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે અને આજે હું ફિટનેસ ટ્રેનર બની ગયો છું. જ્યારે મને લાગ્યું કે હું મારા પગ પર ઉભો રહી શકું છું, ત્યારે મેં જયા સાથે લગ્નનો નિર્ણય કર્યો.
પ્રતીકે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા તેના પરિવારે તેના લગ્ન માટે યુવતી શોધવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પ્રતીકે તેની પાસે નોકરી ન હોવાથી લગ્નની ના પાડી દીધી હતી. તેને લાગ્યું કે જો નોકરી નહીં હોય તો તે લગ્ન પછી પત્નીની સંભાળ રાખી શકશે નહીં, સારું જીવન જીવી શકશે નહીં.
જોકે જયા તેને પહેલી નજરે જ ગમી ગઈ હતી. તેણે કહ્યું કે મને લાગ્યું કે જયા પણ મને પસંદ કરે છે. તે મારાથી ખૂબ પ્રભાવિત હતી. હવે જ્યારે હું આ જવાબદારી નિભાવવા તૈયાર થયો ત્યારે મેં લગ્ન કરી લીધા. જયા માત્ર મારી ઊંચાઈની જ નથી, પરંતુ અમે સમાન વિચારો પણ ધરાવીએ છીએ અને સાથે ખૂબ જ ખુશ છીએ.
પ્રતીકને જ્યારે પૂછાયું કે જયા કઈ વાનગી સારી રાંધે છે, ત્યારે તે કહે છે કે જ્યારે હું જયાના ઘરે ગયો ત્યારે તેણે ખૂબ જ સારું દેશી ભોજન બનાવ્યું હતું, જે બધાને પસંદ હતું. તે ખૂબ સારી વેજ બિરિયાની બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter