બેંગલૂરુઃ ભારતના સિલિકોન વેલી તરીકે પ્રખ્યાત બેંગાલૂરુએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. યુનેસ્કો દ્વારા બેંગાલૂરુ કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ્સમાં એક તરીકે નવાજાયું છે. યુનેસ્કો દ્વારા આયોજિત પ્રિક્સ વર્સેલેસ 2023 ખાતે એરપોર્ટના ટર્મિનલ2 (T2)ને આંતરિક સુશોભન માટે 2023નું વિશ્વનું સ્પેશિયલ પ્રાઈઝ અપાયું છે. પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર એલી સાબના વડપણ હેઠળની પ્રિક્સ વર્સેલેસ 2023 જજીસની પેનલ દ્વારા વૈશ્વિક મૂલ્યાંકન હાથ ધરાયું હતું જેમાં એક માત્ર ભારતીય એરપોર્ટ તરીકે બેંગાલૂરુ એરપોર્ટે આ સન્માન મેળવ્યું છે.
જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ ડિઝાઈન અને આર્કિટેક્ચર સાથે તેણે ‘અતિ સુંદર એરપોર્ટ’નું બહુમાન મેળવ્યું છે.
અગાઉ, ટર્મિનલ2ને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા IGBC ગ્રીન ન્યૂ બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમ સાથે સુસંગત પ્રતિષ્ઠિત IGBC પ્લેટિનમ સર્ટિફિકેશન સાથે બિરદાવાયું હતું. ટર્મિનલ2 કાર્યરત થયું તે પૂર્વે જ યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા તેને વિશ્વના સૌથી વિશાળ ટર્મિનલ તરીકે LEED પ્લેટિનમ રેટિંગ આપી દેવાયું હતું જેને એરપોર્ટના પર્યાવરણીય ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ તરીકે ઓળખાવાય છે.
બેંગાલૂરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એમડી અને સીઈઓ હરિ મારારે સિદ્ધિ બાબતે આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટર્મિનલ2ને મળેલું સન્માન ભારે ગર્વની બાબત છે. ટર્મિનલની ઈચ્છનીય સ્વીકૃતિના સાક્ષી બની રહેવાનો અમને આનંદ છે.’ કળા અને ટેકનોલોજીના સમન્વય સાથે T2 તેના પ્રથમ તબક્કામાં વાર્ષિક 25 મિલિયન પેસેન્જર્સને સમાવી શકે તેવી ડિઝાઈન ધરાવે છે તેમજ દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિના પ્રદર્શન સાથે વૈશ્વિક પ્રવાસીઓ પર અમીટ છાપ છોડી જવાનું લક્ષ્ય રાખે છે.
નવરસના થીમ સાથે પ્રદર્શન
એરપોર્ટના આર્ટ પ્રોગ્રામ્સના વડા યામિની ટેલકર કહે છે કે, ‘નવરસની થીમ માત્ર સાંસ્કૃતિક દૃષ્ટિએ જ મહત્ત્વનું નથી પરંતુ, એરપોર્ટ ટર્મિનલ માટે પણ બંધબેસતું છે. પ્રત્યેક પ્રવાસી વિવિધ અને અનોખી કથાઓ અને સંવેદનાઓ સાથે પસાર થાય છે તેને ધ્યાનમાં રાખતા આ વૈવિધ્યને પસંદગીના કળામય થીમ દ્વારા પ્રદર્શિત કરવાનો હેતુ રહેલો છે.’ બેંગાલુરુ કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ 2 માનવીય સંવેદનાઓને પ્રતિબિંબિત કરતું વ્યાપક ફલક છે. સમગ્ર એરપોર્ટ ટર્મિનલમાં કર્ણાટક રાજ્યના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ તેમજ ભરતના નાટ્યશાસ્ત્રના નવ રસમાં વ્યાપ્ત સંવેદનાઓને ઝીલતાં કલાનમૂનાઓમાં બે વિષયોને આવરી લેવાયા છે અને વિશિષ્ટ સ્થળોએ વ્યૂહાત્મક રીતે દર્શાવાયા છે.
અનોખું વર્ણન - અભૂતપૂર્વ આર્ટવર્ક
આર્ટવર્કના પ્રત્યેક અભૂતપૂર્વ નમૂના નવરસના થીમ સાથે સુસંગત વર્ણનો ધરાવે છે. ટેકનોલોજી, કળા અને સંરક્ષણ વચ્ચે સુસંવાદી સમતુલા દર્શાવતા કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ2ના પ્રવાસીઓ વિશ્વભરના કળાકારોના અસંખ્ય વૈવિધ્યપૂર્ણ કળાનમૂનાઓ સાથે પોતાની જાતને સરખાવી શકે છે. અહીં ડોમેસ્ટિક ઝોનમાં વિશિષ્ટ આર્ટવર્ક છે જ્યારે ઈન્ટરનેશનલ ઝોન્સમાં ધ્યાનાકર્ષક નમૂના મૂકાયા છે. દરેક આર્ટવર્ક માનવીય સંવેદનાના વિવિધ પાસા દર્શાવી પ્રવાસીઓની ખુશી, વિષાદ, થાક, ચિંતાતુરતા અથવા તણાવ જેવી વિવિધ ભાવનાત્મક સ્થિતિને રજૂ કરે છે.