સિએનાઃ દુનિયાની સૌથી જૂની બેન્ક બંકા મોન્ટે દેઈ પાસચી ડી સિએના બંધ થવાના આરે છે. ઈટલીના સિએના શહેરમાં વડું મથક ધરાવતી આ બેન્કની સ્થાપના ૧૪૭૨માં કરાઈ હતી, જેને તે અરસાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. ગત મહિને આ બેન્કની ગણતરી યુરોપની સૌથી નબળી લોન આપનાર બેન્ક તરીકે થઈ હતી.
યુરોપિયન નિયામકોની ટીમે મોન્ટે દેઈ પાસચી બેન્કની નાણાકીય સ્થિતિ ચકાસી હતી. જેમાં તલસ્પર્શી તપાસ બાદ જણાયું હતું કે આ બેન્ક છેલ્લા લાંબા સમયથી નાણાકીય છેતરપિંડીમાં સામેલ રહી હોવાથી તે ગંભીર મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે. તેની મૂડી સંપૂર્ણપણે ખતમ થવાની અણીએ છે.
ઇટલીમાં હજારો લોકો મોન્ટે દેઈ પાસચી બેન્કના બંધ થવાની આશંકાથી ચિંતિત છે કેમ કે આ બેન્ક સાથે તેમના જીવનના સોનેરી દિવસોની યાદો જોડાયેલી છે. બેન્કે સિએનામાં સેંકડો લોકોને રોજગારી આપી હતી. તેણે કિંડરગાર્ટન, એમ્બ્યુલન્સ સેવાઓ સહિત અનેક લોકસુવિધાઓમાં વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ઈતિહાસકાર મોરિજિયો બિયાનચિની કહે છે કે મોન્ટે દેઇ પાસચી બેન્ક તો સિએના શહેરની ધમનીઓમાં ફરતું લોહી છે.
આ બેન્ક સિએનાના દરેક પરિવારનો હિસ્સો છે એમ કહીએ તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી. ખોટના ખાડે ગયેલી આ બેન્કને ખરીદવા માટે અત્યારે તો યુનિક્રેડિટ બેન્ક આગળ આવી છે. તેણે ગત મહિને જાહેરાત કરી હતી કે તે લોકહૃદયમાં રાજ કરતી મોન્ટે દેઇ પાસચી બેન્કને ખરીદવા તૈયાર છે. માહિતી અનુસાર મોન્ટે દેઈ પાસચી બેન્ક વેચાયા બાદ પણ તેનું નામ નહીં બદલે. અલબત્ત, તેનું હેડ ક્વાર્ટર સિએનાથી મિલાનમાં ટ્રાન્સફર જરૂર કરી દેવાશે.
૫૫૦ વર્ષ જૂની બેન્ક
મોન્ટે દેઇ પાસચી બેન્કની આર્થિક મુશ્કેલીની શરૂઆત ૨૦૦૮માં શરૂ થઇ હતી. તે સમયે આ બેન્કે એક હરીફ બેન્કને ટેઇકઓવર કરવા માટે મસમોટી રકમની ચૂકવણી કરી હતી. મોન્ટે દેઇ પાસચી બેન્ક આ ટેઇકઓવર કરીને ઈન્ટેસા સેનપાઓલો અને યુનિક્રેડિટ બાદ ઈટલીની ત્રીજી સૌથી મોટી બેન્ક બનવા માગતી હતી. જોકે હવે ઈટલી સરકારે બેન્કની આર્થિક સ્થિતિનું કડવું સત્ય સ્વીકારી લીધું છે. સરકારે ૫૫૦ વર્ષ જૂની આ બેન્કને વેચી નાંખવાની તૈયારી પૂરી કરી લીધી છે.