ઝુરિકઃ શાકાહાર અને માંસાહારનો મુદ્દો હાલ દેશ-વિદેશમાં ભારે ગરમ છે, ભારતમાં શાકાહારને સમર્થન માટે મોટા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. આ સ્થિતિમાં એક રિપોર્ટ અનુસાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી જૂના શાકાહારી રેસ્ટોરાંને સ્થાન આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં જોકે ભારતમાં નથી, પણ સ્વિત્ઝર્લેન્ડના ઝુરિકમાં આવેલું છે.
ભારતમાં શાકાહાર અને માંસાહારને સંસ્કૃતિ સાથે સરખાવાય છે. જોકે સ્વિત્ઝર્લેન્ડમાં એવું નથી. અહીં શાકાહાર એ વ્યક્તિગત બાબત માનવામાં આવે છે, તેને સંસ્કૃતિ સાથે જોડવામાં આવતો નથી. અહીં આવેલી હૌંસ હિલટલ નામની આ શાકાહારી રેસ્ટોરાં વિશ્વની સૌથી જૂની રેસ્ટોરાં છે અને તેની સ્થાપના ૧૮૯૮માં કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટની સ્થાપના કરનારા પરિવારની અત્યારે ચોથી પેઢી તેને ચલાવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે ઝુરિક પ્રાંતમાં આ રેસ્ટોરાં આવેલી છે ત્યાં નોન-વેજિટેરિયન લોકો વધુ છે. શરૂઆતમાં આ રેસ્ટોરન્ટ ૫૦૦ પ્રકારના શાકાહારી ભોજન મળતાં હતાં અને આજે પણ અહીં અનેક ડિશ મળી રહે છે. અહી અનેક ભારતીય વ્યંજનો મળી રહે છે.