લંડનઃ ભારતમાં ટાટા ગ્રૂપે બનાવેલી નેનો કારને ભલે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે બહુમાન મળતું હોય, પરંતુ સૌથી નાની કારનું બહુમાન તો બ્રિટનની પીલને જ મળે. ૫૪ ઈંચ લાંબી અને ૪૧ ઈંચ પહોળી, આ છે દુનિયાની સૌથી નાની કારની સાઈઝ. અને આ કાર આજકાલમાં નહીં, પણ છેક ૧૯૬૨માં બનાવવામાં આવી છે. તેનું આખું નામ છે પીલ P૫૦. તેને સ્માર્ટથી પણ સ્માર્ટ અને મિનીથી પણ મિની કહી શકાય છે.
આ કારને બ્રિટનની પીલ એન્જિનિયરિંગ કંપનીએ બનાવી હતી. ૧૯૬૪માં તેનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. થોડા સમય પછી ફરીથી તેનું ઉત્પાદન શરૂ પણ કરાયું હતું. પીલને સિટી કાર તરીકે બનાવવામાં આવી હતી. તેનું વજન માત્ર ૫૯ કિલો જ હતું. આ કાર એક લિટર ફ્યુઅલમાં ૫૦ કિલોમીટરની એવરેજ આપે છે. કાર ભલે નાની હોય, પણ તેની કિંમત નાની નહોતી. ૧૯૬૨માં બનેલી પીલમાં રિવર્સ ગિયર જ નહોતું. તે એટલી હલકી છે કે તેને ઊંચકીને પણ ખસેડી શકાય છે.
પીલની જાહેરાતમાં કહેવાયું હતું કે એક વ્યક્તિ અને એક શોપિંગ બેગ માટે આ કાર બનાવવામાં આવી છે. પીલમાં માત્ર એક જ દરવાજો હતો અને તે પણ જમણી બાજુ. તેની એક વિન્ડસ્ક્રીન હતી અને તેના પર વાઈપર પણ લગાવ્યું હતું.
કંપનીએ તે સમયે ૫૦ પીલ કાર બનાવી હતી. થોડા સમય પહેલાં ગણતરી કરાઇ તો ખ્યાલ આવ્યો કે હજી ૨૦ પીલ કાર વધી છે. ૨૦૧૦માં પીલનું નિર્માણ ફરીથી શરૂ કરાયું હતું. પીલ અત્યારે પણ કેટલીક કાર બનાવે છે અને પોતાની વેબસાઈટ પર વેચે છે. અત્યારે પીલ દ્વારા જે કારનું નિર્માણ કરાઇ રહ્યું છે તે ડિઝાઈનમાં જૂની જેવી જ છે, પણ તેની ટેક્નોલોજીમાં મોટો તફાવત છે. આ નાનકડી કારમાં એક ઈલેક્ટ્રિક વિંડસ્ક્રીન વાઈપર, વિંડસ્ક્રીન વોશર અને લેધરની સીટ પણ છે. આ કારને પોતાની બનાવવા માટે લગભગ ૧૪ લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે. કારની સૌથી વધુ ઝડપ પેટ્રોલ વેરિયન્ટમાં ૪૫ કિમી પ્રતિ કલાક અને ઈલેક્ટ્રિક વેરિયન્ટમાં ૫૦ કિમી પ્રતિ કલાક છે.