લંડનઃ કોઇ ગ્રોસરી સ્ટોર કે સુપર માર્કેટમાંથી બિસ્કિટ ખરીદવા જાવ તો કેટલા પેન્સ ચૂકવવા પડે છે? ૬૦ પેન્સ, ૭૦ પેન્સ... બહુ બહુ તો ચાર, પાંચ કે છ પાઉન્ડ. આટલી રકમમાં તો બિસ્કિટનું આખું પેકેટ આવી જાય. પણ એક બિસ્કિટ એવું છે જે ગયા સપ્તાહે વિશ્વનું સૌથી કિંમતી બિસ્કિટ બની ગયું છે. આ બિસ્કિટની લંડનમાં હરાજી થતાં તેના અધધધ ૧૫ હજાર પાઉન્ડ ઉપજ્યા છે. આ બિસ્કિટ લાખેણું હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તે વિશ્વવિખ્યાત જહાજ ટાઇટેનિક ૧૯૧૨માં ડૂબ્યું ત્યારે તેમાંથી મળી આવ્યું છે. ટાઇટેનિક જહાજે જળસમાધિ લીધી ત્યારે જે પ્રવાસીઓ બચી ગયા હતા તેમાનાં એકે આ બિસ્કિટ પોતાની સાથે લઈ લીધું હતું. આમ જહાજ ભલે ડૂબી ગયું, પણ પ્રવાસી સાથે બિસ્કિટ પણ ‘બચી’ ગયું હતું. આ જહાજ દુર્ઘટનામાં આશરે ૨૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.