પટણા આઈઆઇટીના 23 વર્ષીય તપાલા નાદામુનીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વિશ્વનું સૌથી નાનું વેક્યૂમ ક્લિનર બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સનું ટાઈટલ પાછું મેળવ્યું છે. આમ જૂઓ તો તેણે બીજી વાર વિશ્વનું સૌથી નાનું વેક્યુમ ક્લીનર બનાવ્યું છે. માત્ર 0.65 સેમીનું વેક્યુમ ક્લીનર નખ કરતાં પણ નાનું છે. આ વેક્યુમ ક્લિનરને બોલપોઈન્ટ પેનની સાથે પ્લાસ્ટિક અને મેટલના નાના ટુકડાઓમાંથી બનાવવામાં આવ્યું છે. ચાર વોલ્ટ વાઈબ્રેશન મોટરથી ચાલતો નાનો પંખો ધૂળના કણોને ઉપાડવા માટે જરૂરી સક્શન બનાવે છે. એકદમ નાના કદનું હોવા છતાં વેક્યુમ યોગ્ય રીતે કામ કરે છે. આ સાથે જ તેની અંદરના કચરાને આસાનીથી બહાર કાઢી શકાય છે. આ પહેલા તેણે 1.76 સેમીના વેક્યુમ ક્લીનર સાથે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ મેળવ્યું હતું.