સિંગાપોર: જેમની પાસે અઢળક રૂપિયા હોય અને ક્યાંય વાપરવાનું ઠેકાણું ન હોય એવા ધનપતિઓ માટે સિંગાપોરમાં એક ડિનરની શરૂઆત થઈ છે. સિંગાપોરની સે-લા-વી સ્કાયબાર નામની રેસ્ટોરાંએ જગતનું સૌથી મોંઘુ ડિનર શરૂ કર્યું છે. આ ડિનરની કિંમત ૨૦ કરોડ ડોલર એટલે અંદાજે ૧૪ કરોડ રૂપિયા છે. આ ડિનરમાં જોકે ભોજન લઈને ઉભા નથી થઈ જવાનું. ડિનર સાથે અઢળક સુવિધાઓ પણ મળે છે.
બે વ્યક્તિઓ માટેના આ ડિનરમાં પહેલાં તો અત્યંત મોંઘી કહી શકાય એવી બ્લુ ડાયમંડની વીંટી ગિફ્ટમાં આપવામાં આવશે. આ રિંગ સામાન્ય રીતે ૨ કેરેટની હશે. ભોજનની જગ્યા દસ હજાર તાજાં ગુલાબોથી મહેકતી હશે.
સામાન્ય રીતે મોંઘી હોટેલમાં થ્રી કોર્સ (સ્ટાર્ટર-મેઈન-ડેઝર્ટ) હોય છે. અહીંનું ભોજન ૧૮ કોર્સમાં છે. અહીં જમવા માટે પણ કલાકોનો સમય જોઈશે. સાથે ૪૪ વર્ષ અને ૫૫ વર્ષ જૂનો વાઈન હશે. આઠ કલાક ચાલનારા જમણવારની શરૂઆત હેલિકોપ્ટર રાઈડથી થશે. એ પછી રોલ્સરોયસમાં બેસાડીને પ્રાઈવેટ ક્રૂઝ શિપ તરફ લઈ જવાશે. શિપમાં દરિયાઈ સફર કરાવાશે. એ પછી સિંગાપોરની મરીના બે સેન્ડ હોટેલની ટોચે આવેલી રેસ્ટોરાં સુધી લઈ જવાશે. જ્યાંથી આખુ સિંગાપોર જોઈ શકાય છે.
ભોજનમાં વળી દુનિયાની ઉત્તમોત્તમ વાનગીઓ હશે. એ માટેની સામગ્રી પણ જે તે દેશમાંથી તાજી જ મંગાવેલી હશે. જમવા માટેની ચમચીઓ અને અન્ય સામગ્રી હીરાજડીત હશે. જો જમણવાર પહેલાં કે પછી આરામ કરવો હશે તો આલિશાન ઓરડો પણ ફાળવી દેવાશે. ગ્રાહકોની ઈચ્છા પ્રમાણે અગાસી પર બનેલી છત નીચે અથવા તો ખુલ્લી જગ્યામાં ભોજન લઈ શકાશે.