સ્ટોકહોમઃ ઊર્જા કટોકટીને પહોંચી વળવા માટે યુરોપિયન દેશ સ્વીડને નવતર પ્રયોગ કર્યો છે. સ્વીડને ૨૪મી જૂને દુનિયાનો પ્રથમ ઈલેક્ટ્રિક રોડ ખુલ્લો મૂક્યો હતો. ઈલેક્ટ્રિક રોડ એટલે એવો રોડ જેના પર ઈલેક્ટ્રિક વાહનો દોડે અને રોડના કાંઠે ગોઠવાયેલા થાંભલાઓમાંથી પેન્ટોગ્રાફ દ્વારા વાહનોને ઊર્જા મળે. ઈલેક્ટ્રિક ટ્રેન ચાલતી હોય એ રીતે જ માથે એરિયલ ફિટ કરેલા વાહનો આ રોડ પર દોડતા થયા છે. આ રોડ પર ચલાવવા માટે ઈલેક્ટ્રિક વાહનોની પણ જરૂર પડે.
સ્વીડનથી પડોશી દેશ નોર્વેને જોડતા યુરોપિયન રૂટ ઈ-૧૬ નામના રસ્તા પર ૨ કિલોમીટરના પટ્ટામાં આ પ્રયોગ શરૂ કરાયો છે. ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ માર્કેટમાં શરૂ થયું છે. આવા વાહનો આ રસ્તા પર વધુ અનૂકુળ છે. ઈલેક્ટ્રિક ન હોય એવી ગાડીઓ પણ આ રસ્તા પર ચાલી શકશે, પણ એ વાહનો ઈલેક્ટ્રિસિટીનો લાભ નહીં લઈ શકે. સામાન્ય રસ્તા પરથી પસાર થતાં હોય એમ આ વાહનો રસ્તા પરથી જઈ શકશે. પહેલા દિવસે સ્વીડનના આ રસ્તા પર જે ટ્રક ચાલ્યા એમાં ૯-લિટર બાયોફ્યુલ એન્જિનનો ઉપયોગ થયો હતો.
સ્વીડન ૨૦૧૮ સુધી આ રસ્તા પર જાતજાતના અખતરાઓ કરી, તેમાં સફળતા મળશે તો તેનું વિસ્તરણ કરશે. હાલમાં પ્રારંભિક તબક્કે ટ્રક જેવા તોતિંગ વાહનો આ રસ્તા પર ચલાવવાના શરૂ થયા છે. ઈલેક્ટ્રિક રોડ જેટલા વિસ્તારમાંથી પસાર થવાનું હોય ત્યારે ઈલેક્ટ્રિક વાહને પોતાનું એરિયલ ઊંચુ કરવાનું એટલે ઉપર ગોઠવાયેલા તારમાંથી તેને વીજળી મળવા લાગે.
સ્વીડન સરકારે આ અંગે જણાવ્યું હતું કે, અમે પરંપરાગત બળતણો પર ભારણ ઘટાડવા માગીએ છીએ. આ માટે આવા નવાં નવાં વિકલ્પો તરફ ધ્યાન આપ્યા સિવાય છૂટકો નથી. વધુમાં સ્વીડનના પરિવહન પ્રધાને એમ પણ કહ્યું હતું કે આ કોઈ નવી ટેકનોલોજી નથી. ૧૨૦ વર્ષથી ટ્રામ ચલાવવા માટે આ પદ્ધતિ વપરાતી જ આવે છે. હવે આધુનિક સમય પ્રમાણે તેમાં પરિવર્તન કરી તેનો વપરાશ શરૂ કર્યો છે.
સ્વીડન અત્યારે જેટલો કાર્બન પેદા કરે છે, તેમાંથી ત્રીજા ભાગનો કાર્બન વાહનોને કારણે હવામાં ભળે છે. ખાસ કરીને ટ્રક જેવા ભારે વાહનો વધારે પ્રદૂષણ ફેલાવે છે એટલા માટે હેવી વાહનો દોડી શકે એવો રસ્તો સ્વીડને તૈયાર કર્યો છે. ૨૦૩૦ સુધીમાં સ્વીડન વાહનો દ્વારા ફેલાતું પ્રદૂષણ ઝીરો કરવા માગે છે.