પૂણેઃ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાનો આલંદી (દેવાચી આલંદી) કસ્બો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ‘વેડિંગ વિલેજ’ બની ગયો છે. લગ્નોની સીઝનમાં અહીં રોજ લગભગ 1200 લગ્ન થાય છે. તો બાકીના દિવસોમાં પણ રોજ 250થી 300 લગ્નો તો થાય જ છે. અહીં વિવાહ માટે મુહૂર્ત પણ નથી જોવામાં આવતું. આશરે 40 હજારની વસ્તી ધરાવતા કસ્બામાં 550થી વધુ મંગલ કાર્યાલય અને ધર્મશાળાઓ છે. અહીં એક જ છતની નીચે પંડિતથી લઈ ફોટોગ્રાફર-ડેકોરેટર સહિતના તમામ પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે. દેશભરથી લગ્નવાંચ્છુકો અહીં પહોંચે છે. એવું પણ નથી, લગ્નના નામે બનાવટ થાય છે. લગ્ન બાદ કાયદેસરનું મેરેજ સર્ટિફિકેટ, લગ્નની તસવીરો-વીડિયો જેવા તમામ દસ્તાવેજ પણ આપવામાં આવે છે.
લગ્નપ્રસંગ થકી ગામઆખાને રોજગાર
આખા ગામનું અર્થતંત્ર લગભગ લગ્નપ્રસંગ પર નિર્ભર છે એમ કહો તો પણ ચાલે. એક લગ્નમાં સરેરાશ 100 મહેમાન હોય છે. તેનાથી પંડિતથી, ફૂલવાળા, રસોઈયા જેવા ઓછામાં ઓછા 25 લોકોને રોજગાર મળે છે. લગ્નો પર નગર પરિષદે ટેક્સ બમણો કરી દીધો છે. ગામનું 75 ટકા અર્થતંત્ર લગ્નપ્રસંગોની કમાણી પર નિર્ભર છે
લગ્ન બાદ કોઇ કાનૂની ગૂંચ ઉભી ના થાય તે માટે કાયદેસરના માન્યતાપ્રાપ્ત દસ્તાવેજોથી વર-કન્યા પુખ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવે છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે પ્રિય પાત્રને ખાતર માટે પોતાની ઇચ્છાથી ઘર છોડીને આવેલી યુવતીઓ ભાવુક થઈ જાય છે અને બાદમાં મન બદલાઈ જાય છે. આવા સમયે યુવાનો પર અપહરણના કેસ પણ નોંધાતા હોય છે. આવું ન થાય તે માટે કન્યાઓ પાસેથી શપથપત્ર લેવામાં આવે છે.
આલંદીને સોશિયલ મીડિયાથી અર્જન્ટ મેરેજ ડેસ્ટિનેશન તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યું છે. અહીં લગ્નનું શૂટિંગ પણ કરવામાં આવે છે. અને સપ્તપદીના ફેરાથી લઇને વરમાળા પહેરાવવાની વિધિ સાથે કપલ્સની બાઇટ્સ વાયરલ કરવામાં આવે છે.
અહીં લગ્નનું જે પેકેજ ઓફર કરાય છે તેમાં વકીલથી લઈને જરૂર પડ્યે પોલીસ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. પ્રેમલગ્ન, આંતરજાતીય લગ્ન, કોર્ટમેરેજ અને દસ્તાવેજોની સાથે વૈદિક પદ્ધતિથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં લગ્ન કરવાનો વિકલ્પ મળી રહે છે.
પેકેજની વાત કરીએ તો, 4,500 રૂપિયામાં મેરેજ સર્ટિફિકેટ, પોલીસ સુરક્ષા માટે અરજી, લગ્ન પ્રસંગ અને અનુષ્ઠાન સામગ્રીનો સમાવેશ થાય છે. તો સ્પેશિયલ મેરેજ માટે રૂ. 12,500નું પેકેજ છે. જેમાં લગ્નના 10 ફોટોગ્રાફ, કપલના વીડિયો સ્ટેટમેન્ટ (પેન ડ્રાઈવમાં), પૂજારીનું પ્રમાણપત્ર, સંપૂર્ણ વિવાહ સામગ્રી અને ગોરમહારાજ, મેરેજ હોલ અને સજાવટનો સમાવેશ થાય છે.