હેમ્પશાયરઃ નિવાસસ્થાન બદલવાની કામગીરી ખરેખર તો ખૂબ માથાકૂટ ભરેલી અને માનસિક તણાવ આપનારી છે. જોકે સ્મૃતિને ચેતનવંતી કરવા માટે ઘર બદલવાની આ પ્રક્રિયા બહુ ઉપયોગી થઇ પડે છે. ઘર બદલતાં નવાં વાતાવરણમાં મગજ નવી ઉત્તેજના અનુભવે છે. તેને જૂના અનુભવો બમણા જોશથી યાદ આવતા હોય છે. ઘર બદલવામાં કંટાળો અનુભવનારા માટે આ આનંદના સમાચાર છે.
એક સર્વેના તારણ અનુસાર, સામાન્ય વ્યક્તિ જીવનમાં સરેરાશ પાંચ વખત ઘર બદલે છે. સર્વેક્ષણ દરમિયાન તારણ કાઢવામાં આવ્યું છે કે ઘર બદલવાની પ્રક્રિયાને લોકો છૂટાછેડા જેટલી જ જટિલ પ્રક્રિયા માનતાં હોય છે. છૂટાછેડા જેટલી જ માનસિક તાણ અનુભવતા હોય છે. ન્યૂ હેમ્પશાયર યુનિવર્સિટીના સંશોધકોએ ૬૫ વર્ષથી વધુ વયના ૧૧૦૦ જેટલાં લોકોને ૪૦થી ૬૦ વર્ષ વચ્ચેના જીવનના તેમના પાંચ યાદગાર પ્રસંગો કહેવા કહ્યું હતું. આ પ્રસંગો સાથે સંકળાયેલી લાગણીઓને વાગોળવા કહેવામાં આવ્યું હતું. તેમણે જીવનમાં કેટલી વાર રહેઠાણનાં મકાન બદલ્યાં તે વિષે પૂછવામાં આવ્યું હતું.
સર્વેમાં ભાગ લેનારાં પૈકી ૨૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમના જીવનના યાદગાર પ્રસંગો તેમણે મકાનોના સ્થળાંતર સાથે જ સંકળાયેલા છે. ખાસ કરીને યુવાન વયે બદલેલાં મકાનોનાં સ્મરણ લાંબા સમય સુધી ટકતાં હોય છે. યુવાન વય હોવાથી જે બન્યું હોય છે તે યાદ રહી જતું હોય છે.
જર્નલ ઓફ એક્સ્પરિમેન્ટલ સાઇકોલોજીમાં આ અભ્યાસનાં તારણોનું પ્રકાશન થયું છે. જોકે આ પહેલાં થયેલા અભ્યાસમાં ઘર બદલવાની નકારાત્મક અસરોનો અભ્યાસ થયો હતો, પરંતુ વર્તમાન અભ્યાસ કહે છે કે ઘર બદલવાની પ્રક્રિયા જીવન સમયની સ્મૃતિઓ પર હકારાત્મક પ્રભાવ જન્માવે છે. કેટલાંક લોકો માટે ઘર બદલવાની પ્રક્રિયા ખૂબ કંટાળાજનક હોય છે, કારણ કે તેમને એ કામમાં વકીલોનો સંપર્ક સાધીને ખૂબ પેપરવર્ક કરવું પડે છે. ઘર બદલવાનો ઘટનાક્રમ કોઇક કાનૂની ગૂંચમાં અટવાઇ શકે છે. કેટલાકનાં મતે મકાન વેચવાની કામગીરી તે અન્ય કરતાં વધુ માનસિક તાણ આપે છે. કેટલાંક તો ત્યાં સુધી કહે છે કે મકાન વેચવાની કામગીરી છૂટાછેડા કરતાં પણ વધુ ટેન્શન આપે છે.