કોલકાતા: નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નિવાસસ્થાન શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરાયું છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા શાંતિ નિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરે મોટાભાગનું જીવન વિતાવ્યું હતું. ગુરુદેવના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે તેને 1863માં સાત એકર જમીન ૫૨ બાંધ્યું હતું, જ્યાં બાદમાં રવીન્દ્રનાથે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. તેને 1921માં નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને આજે 6000થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. શાંતિ નિકેતનને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ હવે ભારતના 41 સ્થળો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં છે. દાર્જિલિંગ હિમાલિયન રેલવે અને સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન બાદ બંગાળમાંથી શાંતિ નિકેતનને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાતા હવે પશ્ચિમ બંગાળના કુલ ત્રણ સ્થળ યાદીમાં છે. આશરે 122 વર્ષ પહેલા પાંચ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી શરૂ થઇ હતી.
અહીં આજે પણ વિદ્યાર્થીઓને વૃક્ષોની નીચે બેસીને અભ્યાસ કરતાં જોઇ શકાય છે. દુનિયામાં આજે એ યુનિવર્સિટીને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળી ગયો છે. ભારતીય માટે આ ગૌરવનો દિવસ છે.
એક દાયકા સુધી અભિયાન ચાલ્યા બાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એવા શાંતિ નિકેતનને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. સ્મારકો અને સ્થળોને લઇને આંતરરાષ્ટ્રીય પરિષદ, યુએનની એક આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિએ ભલામણ કર્યા બાદ લોકપ્રિય કવિ રવિન્દ્રનાથ ટાગોરના ઘર શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરાયું છે. શાંતિ નિકેતનને એકમાત્ર સજીવન વારસા તરીકે જોવામાં આવે છે. અહીં વૃક્ષોની નીચે ખુલ્લી હવામાં અભ્યાસનું આયોજન કરવામાં આવે છે.