નાસિકઃ મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના શનિ શિંગણાપુરના લોકો કયારેય પોતાની દુકાન કે ઘરના દરવાજા બંધ કરતા નથી. પરંતુ નવાઇની વાત તો એ છે કે શિંગણાપુરમાં ઘર જ નહીં, બેંકના દરવાજા પણ ૨૪ કલાક ખુલ્લા રહે છે. નાણાનો મોટો જથ્થો ધરાવતી બેંકની વાત આવે ત્યારે પ્રથમ તો તેની સલામતીનો વિચાર કરવામાં આવે છે. આથી શિંગણાપુરમાં બેંકને પણ તાળા મારવામાં આવતા નથી તે વાત માનવામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે.
આ ગામમાં છ વર્ષ પહેલા કોઇ જ બેંક ન હતી. ગામ લોકોએ બેંકની માંગણી કરી તેની સાથે ગામની પરંપરા મુજબ બેંકના દરવાજા દિવસ-રાત ખુલ્લા રહે તેવી પણ શરત મૂકી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છેવટે યુકો બેંકે શિંગણાપુર ગામના લોકોની શરત માનીને બ્રાંચ ખોલવાની તૈયારી દર્શાવી હતી. જોકે બેન્કિંગ નિયમો મુજબ આ શકય ન હોવાથી ઉચ્ચ સ્તરેથી સંબંધિત સત્તાધિશોની મંજુરી પણ લેવામાં આવી હતી.
આ બેન્કમાં કામકાજનો સમય પૂરો થયા પછી રોકડ નાણાં ભરેલી તિજોરીને સ્ટ્રોંગરૂમમાં મુકીને બેંક ખુલ્લી રાખીને કર્મચારીઓ ઘરે જવા રવાના થઇ જાય છે. આમ જેની તાળાબંધી થતી ના હોય તેવી ભારતની આ એક માત્ર બેંક છે.
બેંક મેનેજરે પ્રારંભમાં તો કેશ જ્યાં રાખવામાં આવતી ત્યાં કર્મચારીઓને વારાફરથી ડયૂટી પર પણ રાખ્યા હતા. શરૂઆતમાં બેંક સ્ટાફને ચોરી અને લૂંટફાટની બીક રહેતી હતી. જોકે સયના વહેવા સાથે ધીમે ધીમે તેમને પણ હટાવી લેવામાં આવ્યા છે. કારણ કે આ ગામમાં દુકાનો અને ઘર હંમેશા ખુલ્લા રહે તેવી દાયકાઓ જૂની પરંપરા છે. ગામ લોકોનું માનવું છે કે જો સ્વયં શનિ ભગવાન જ રક્ષણ કરતા હોય તો પછી તાળા મારવાની કોઇ જ જરૂર નથી. તાળાબંધી વગરના શની શિંગણાપુર ગામમાં આજ સુધીમાં ચોરીનો એક પણ બનાવ બન્યો નથી.