શિવકુમાર સૌથી ધનિક વિધાનસભ્યઃ કુલ સંપત્તિ 1413 કરોડ રૂપિયા

Saturday 29th July 2023 14:09 EDT
 
 

બેંગલૂરુઃ ભારતના સૌથી ધનિક 20 વિધાનસભ્યોની યાદીમાં 1413 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ડી.કે. શિવકુમાર દેશના સૌથી ધનિક વિધાનસભ્ય બની ગયા છે. તેમના પછી બીજા ક્રમે અપક્ષ વિધાનસભ્ય કે.એચ. પુટ્ટાસ્વામીની સંપત્તિ 1267 કરોડ રૂપિયા તો ત્રીજા ક્રમે આવતાં કોન્ગ્રેસના યુવા વિધાનસભ્ય પ્રિયકૃષ્ણની સંપત્તિ 1156 કરોડ રૂપિયા હોવાનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેકશન વોચના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ અનુસાર દેશમાં સૌથી અમીર વિધાનસભા કર્ણાટકની છે અને ત્રણ સૌથી વધારે ધનિક વિધાનસભ્યો પણ કર્ણાટક વિધાનસભામાં બિરાજે છે. દેશના સૌથી વધારે અમીર 20 વિધાનસભ્યોની યાદીમાં 12 વિધાનસભ્યો કર્ણાટક વિધાનસભાના છે.
એડીઆરના અહેવાલમાં જણાવ્યા અનુસાર, કર્ણાટકના 14 વિધાનસભ્યોની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ અબજોપતિ છે. કર્ણાટકના દરેક વિધાનસભ્ય પાસે સરેરાશ 64.3 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કર્ણાટકના સૌથી વધારે ધનિક વિધાનસભ્ય શિવકુમારે તેમના ચૂંટણીના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે 273 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે જ્યારે 1140 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. ડીકે શિવકુમારના માથે 265 કરોડ રૂપિયાનું દેવું છે. ત્રીજા નંબરના સૌથી ધનિક વિધાનસભ્ય પ્રિયકૃષ્ણ દેવાના મામલે પણ ટોપ પર છે. તેમના માથે 881 કરોડ રૂપિયાનું દેવું છે. તેમના પિતા એમ. કૃષ્ણપ્પા કર્ણાટકના 18મા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. કર્ણાટકના દિગ્ગજ વિધાનસભ્ય જનાર્દન રેડ્ડી પણ પ્રદેશના 23મા ક્રમના અમીર વ્યક્તિ છે.
બીજી તરફ દેશના સૌથી ગરીબ વિધાનસભ્ય પશ્ચિમ બંગાળના નિર્મલ કુમાર ધારા છે તેમની પાસે કુલ 1700 રૂપિયાની પૂંજી છે અને તેમના માથે કોઇ દેવું નથી. જો કે, કર્ણાટકમાં સૌથી ગરીબ વિધાનસભ્ય ભાજપના ભાગીરથી મુરૂલ્ય છે જેમની પાસે કુલ 28 લાખ રૂપિયાની સંપત્તિ છે અને તેમના માથે બે લાખ રૂપિયાનું દેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter