સોલાપુર: જેના ઝેરનો અંશ માત્ર માણસને મોતના મુખમાં ધકેલી દેવા માટે પૂરતો છે તેવા કોબ્રા સાપનું નામ સાંભળતા જ ભલભલાના રુંવાડા ઉભા થઇ જાય છે. મહારાષ્ટ્રના શેતફલ ગામના લોકોની વાત અલગ છે. આ ગામના લોકો કોબ્રા સહિત દરેક જાતના સાપની પરિવારના સભ્ય જેટલી જ કાળજી લે છે અને લાગણી સાથે તેનો ઉછેર કરે છે.
વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શેતફલ ગામના લોકો સાપ પાળે છે, એટલું જ નહીં નાના બાળકો દરરોજ હાથમાં સાપ લઇને રમકડાંની જેમ રમતા દેખાય છે. રસ્તા પર પણ આમતેમ બસ કોબ્રા સાપ જ સરકતા દેખાય છે. સાપ જોવા ન મળતો હોય એવું ભાગ્યે જ કોઇ ઘર ગામમાં હશે.
સાપ ઘરમાં સરળતાથી રહી શકે તે માટે લોકો ઘરમાં જ દર બનાવે છે. ઘરની છત પર કાણા પાડે છે, જેની મદદથી સાપ સરળતાથી હરીફરી શકે છે. ગામલોકો કોબ્રા સાપની ઘરના સ્વજનની જેમ કાળજી રાખે છે. સાપને કરંડિયા કે ટોપલામાં કેદ કરવાના બદલે મુકત રીતે ફરવા દે છે. સાપ પણ જાણે પેઢી દર પેઢી માણસો સાથે રહેવા ટેવાઇ ગયા છે.
શેતફલ ગામની કુલ વસતી ૨૩૦૦ લોકોની છે, જેમાં ૫૫૭ પરિવારો વસવાટ કરે છે. દરેક ઘરે સરેરાશ બેથી ત્રણ સાપ પાળવામાં આવે છે, પણ નવાઇની વાત તો એ છે કોબ્રા વિશ્વમાં સૌથી ઝેરી સાપ ગણાતો હોવા છતાં આજ સુધી ગામમાં સર્પદંશની એક પણ ઘટના બની નથી.
ગામ લોકો સાપને દેવતાની જેમ પૂજે છે. લોકોએ નાગદેવતાના એક કરતાં વધારે નાના મોટા મંદિરો પણ બનાવ્યા છે. ગામના લોકોનું માનવું છે કે સાપને અમે પરેશાન કરતા ન હોવાથી તે પણ અમને કશું નુકસાન કરતા નથી.
સાપ અને માણસોનું સહઅસ્તિત્વ ધરાવતું આ અનોખું ગામ જોવા બહારથી પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસામાં વરસાદ પડે પછી જમીનના જીવજંતુઓ બહાર નીકળે છે. આમ, આ સમય દરમિયાન સાપ પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. પૂણેથી ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલું શેતફલ સોલાપુરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર છે. એક જમાનામાં ભારતને સાપો અને મદારીઓનો દેશ ગણવામાં આવતો હતો. આજે આ ચિત્ર ભલે સમૂળગું બદલાઇ ગયું હોય, પરંતુ શેતફલ ગામને તો આજેય સાપના ગામ તરીકે જ ઓળખવામાં આવે છે.
સાપ સાથેની દોસ્તી માટે જાણીતું આવું બીજું એક ગામ કપારી ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. આ
ગામના લોકો પણ પેઢી - દર પેઢીથી સાપ ઉછેર કરે છે. સાપનું પાલનપોષણ તેમના જીવનનો એક હિસ્સો બની ગયું છે. ગામ લોકો ગળામાં ઘરેણાની જેમ સાપ વિંટાળીને ફરતા જોવા મળે છે. શેતફલની જેમ કપારી ગામની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે.