વારાણસીઃ શ્રી રામચરિત માનસની ખ્યાતિ વૈશ્વિક સ્તરે દિવસને દિવસે વધી રહી છે. તેમાં હવે એક વધુ યશકલી ઉમેરાઈ છે. હવે, તેણે વિશ્વના સૌથી લાંબા ગીત તરીકે વિક્રમ નોંધાવ્યો છે. હાલમાં જ વારાણસીના ડોક્ટર જગદીશ પિલ્લાઈએ શ્રી રામચરિત માનસને 138 કલાક, 41 મિનિટ અને બે સેકન્ડમાં ગાઈને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
ડો. પિલ્લાઇનું કહેવું છે કે આ કામ પૂરું કરવામાં તેમને ચાર વર્ષનો સમય લાગી ગયો છે. તેમનું શ્રી રામચરિત માનસ પઠન દુનિયાની 100થી વધુ ઓડિયો ચેનલ પર પ્રસારિત થઇ ચૂક્યું હોવાથી ગિનેસ બુકના સંચાલકોએ તેના નામે સૌથી લાંબા ઓફિશ્યલી રિલીઝ્ડ ગીત તરીકેનો વિક્રમ નોંધ્યો છે.
ભારતમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો હોવાથી જગદીશ પિલ્લાઈની ઈચ્છા હતી કે, આ મામલે પોતે વિક્રમ નોંધાવે. જગદીશ પિલ્લાઈએ આ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ઘડાયેલી ગાઇડલાઇનને અનુસરીને 20મે 2019ના રોજથી ગીતનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.
પિલ્લાઇના નામે પાંચ વિશ્વ વિક્રમ
ડો. પિલ્લાઇ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પાંચ વિશ્વ વિક્રમ ધરાવનાર વ્યક્તિ બન્યા છે. આ પૂર્વે તેઓ સૌથી ઓછા સમયમાં એનિમેશન ફિલ્મ બનાવવાનો, 16,300 પોસ્ટ કાર્ડ વડે પોસ્ટ કાર્ડની સૌથી લાંબી લાઇન બનાવવાનો, સૌથી મોટું પોસ્ટર અવેરનેસ કેમ્પેઇન અને ચોથી વખત યોગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સૌથી મોટું એન્વેલપ બનાવવાનો વિક્રમ પોતાના નામે નોંધાવી ચૂક્યા છે. આ વખતના વિક્રમમાં નોંધનીય બાબત એ છે કે ડો. પિલ્લાઇ હિન્દી ભાષી નથી. આમ છતાં તેમણે શ્રી રામચરિત માનસને અવધી ભાષામાં સુંદર અને સુરિલા અવાજ સાથે સંગીતબદ્ધ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હોવાથી લોકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
આ પૂર્વેનો સૌથી લાંબા ગીતનો વિશ્વવિક્રમ 115 કલાક 45 મિનિટનો હતો. આ ગીત યુકેના હર્ટફોર્ડશાયરમાં રહેતા માર્ક ક્રિસ્ટોફર લી અને ધ પોકેટ ગોડ્સે ગાયું હતું. તેમણે એક જ પ્રકારના સંગીત વાદ્યોનો ઉપયોગ કરીને આ વિક્રમ નોંધાવ્યો હતો. જ્યારે ડો. પિલ્લાઇ ખુદે શ્રી રામચરિત માનસને સંગીતબદ્ધ કરીને 138 કલાક 41 મિનિટ 20 સેકન્ડ લાંબુ ગીત તૈયાર કર્યું હતું.