શ્રીનગરને ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ સન્માન

Saturday 06th July 2024 07:32 EDT
 
 

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરને વર્લ્ડ હેન્ડીક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ જાહેર કરાયું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્. ગવર્નર મનોજ સિંહાના કાર્યાલયે આ આંતરરાષ્ટ્રીય સન્માન સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે ‘શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે મળેલી ઓળખ દર્શાવે છે કે ત્યાં કામ કરતા લોકો કેટલા કુશળ અને કળાકારીગરીને સમર્પિત છે. તેમની પરંપરાગત કળા અને કૌશલ્યએ તેમની સંસ્કૃતિને માત્ર સમૃદ્ધ નથી બનાવી પરંતુ તે વિશ્વભરમાં વખણાય છે. આ પુરસ્કારનો ધ્યેય શ્રીનગર માટે વિશિષ્ટ હસ્તકલાની વિશાળ શ્રેણીનું સન્માન અને રક્ષણ કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રણ ભારતીય શહેરો જયપુર, મલપ્પુરમ્ અને મૈસુર વર્લ્ડ ક્રાફ્ટ સિટીનું સન્માન મેળવી ચૂક્યા છે. શ્રીનગરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનું ટેગ મળતાં શ્રીનગરના હસ્તકળા ઉદ્યોગને બહુ મોટો લાભ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ એવોર્ડથી વધુ પ્રવાસીઓ આવશે અહીં આવવા આકર્ષાશે, જે સ્થાનિક વ્યવસાયોને અને પરંપરાગત હસ્તકલાના વેચાણમાં મદદ કરશે.
આ વૈશ્વિક ઓળખને સ્થાનિક યુવાનો માટે એક પ્રેરણાના સ્રોત તરીકે પણ જોવામાં આવે છે, જે તેમને પરંપરાગત હસ્તકલા શીખવા અને ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરશે. શ્રીનગરને વર્લ્ડ હેન્ડીક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા મળેલા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ના સન્માનથી ત્યાંની કળાસંસ્કૃતિનો ફેલાવો થવાની સાથોસાથ બિઝનેસ વધુ સમૃદ્ધ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter