કૌશાંબીઃ ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ૧૨મી માર્ચે એક કૂતરા-કૂતરીના લગ્ન થયા. આ લગ્નમાં લગભગ ૫,૦૦૦ જાનૈયાઓ આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ જાન ગઈ. ભોજન સમારંભ યોજાયો અને રોતાં-રોતાં ‘વધૂ’ને વિદાય પણ અપાઈ.
આ લગ્નમાં વર-વધૂ અટલે કે કૂતરાનું નામ શગુન છે અને તેની પત્નીનું નામ શગુનિયા છે. બંનેના લગ્નના કાર્ડ પણ છપાયા હતા. કાર્ડમાં વરના નામના સ્થાને ચિરંજીવ શગુન લખ્યું હતું અને વધૂના નામના સ્થાને આયુષ્મતી કુમારી શગુનિયા છપાયેલું હતું. ફૂલોથી સજાવેલી કારમાં વરપક્ષના લોકો કૂતરાને ખોળામાં બેસાડીને જ્યારે કૂતરીના ઘરે લગ્ન માટે લઈ જતાં હતાં ત્યારે સાથે સંગીતના તાલે નાચતા લોકોની ભીડ પણ જોડાઈ હતી.
કૌશાંબી જિલ્લાના મુખ્યમથકથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલા પંવારા ગામમાં યોજાયેલા આ લગ્નની આસપાસના ગામોમા પણ ખૂબ ચર્ચા થઈ. બંને પરિવારોએ આ લગ્નમાં ખૂબ રૂપિયા ખર્ચ્યા હતા. મહેમાનોની આગતાસ્વાગતા સિવાય વધૂ પક્ષના લોકોએ શગુન-શગુનિયા માટે ખાવા-પીવાની વસ્તુઓ સિવાય રૂ. ૧,૧૧,૦૦૦ પણ આપ્યા. એક જાણકારી મુજબ લગ્ન પહેલાં શગુન અને શગુનિયાની ચાંલ્લા વિધિ પણ થઈ હતી. એમાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વર અને વધૂને બંને પરિવારોએ તેડીને જયમાલાની વિધિ પૂરી કરાવી હતી. બંને પક્ષોએ તેમના ગળામાં માળા પહેરાવી. આ સિવાય બધી વિધિઓ થઈ અને દરેક રિવાજો પણ નિભાવ્યા હતા. આટલું જ નહીં, બંનેને ખાસ રીતે તૈયાર કરાયાં હતાં. વધૂ બનેલી કૂતરીને લાગ રંગની જોડ પહેરાવી હતી. લગ્ન બાદ લધૂ પક્ષના લોકોએ કૂતરી શગુનિયાને આંસુભીની આંખે વિદાય પણ આપી. વિદાય વખતે કૂતરી સૂઈ ગઈ હતી, આથી તેને તેડી લેવાઈ. આમ, સંપૂર્ણ વિધિઓ અને રિવાજો સાથે લગ્ન સંપન્ન થયા હતાં.