બેંગ્લૂરુઃ થોડાક દિવસ પહેલાં બેંગ્લૂરુના સતીશ કેડેબોમ નામના ડોગ-બ્રીડરે ચીનથી ખાસ કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડનાં બે પપી વિક્રમજનક કિંમતે મંગાવ્યા છે. ચીનના બૈજિંગથી વાયા બેંગકોક ફ્લાઈટ દ્વારા ૨૮ માર્ચે આ બંને પપી બેંગ્લૂરુ પહોંચ્યા હતા. સતીશ કેડેબોમ ઈન્ડિયન ડોગ બ્રીડર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે.
છેલ્લાં ૨૫ વર્ષથી શ્વાનસંવર્ધન કરતાં સતીશ કેડબોમનો દાવો છે કે ભારતમાં પહેલી વાર આ ખાસ નસલના શ્વાન આવ્યા છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી આ બ્રીડના શ્વાનને ભારત લાવવા ઈચ્છતા હતા. તેમણે ઘણી મહેનત પછી પ્યોર કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડના સંવર્ધક ચીનમાં મળ્યા હતા. ચાર મહિનાનાં આ ગલૂડિયાં સંવર્ધનના હેતુથી જ આવી રહ્યા હોવાથી સતીશે એક નર અને એક માદા પપી ખરીદ્યું છે. બંને ગલૂડિયા માટે તેમણે એક-એક કરોડ રૂ. ખર્ચ્યા છે.
સતીશભાઇ કહે છે કે આ બ્રીડના ડોગીની સૂંઘવાની ક્ષમતા જબરદસ્ત હોય છે. સાતથી બાર વર્ષની આયુ ધરાવતા આ ડોગી ખૂબ જ શાંત પ્રકૃતિના અને અત્યંત વફાદાર હોય છે. સતીશ પાસે અત્યારે ૧૫૦ ડોગી છે. એમાં કેટલીક દુર્લભ અને અસામાન્ય નસલના શ્વાન પણ સામેલ છે.
ડોસા મેસ્ટિફ બ્રીડના ડોગીની શરીરની ત્વચા પર એટલી બધી કરચલીઓ હોય છે કે ક્યારેક તો તેની આંખ પણ ત્વચામાં ઢંકાઈ જાય છે. બંને પપીને એરપોર્ટ પરથી અલગ-અલગ લક્ઝુરિયસ કારમાં લાવવામાં આવ્યા હતા. અને હવે એમને એસી રૂમોમાં રાખવામાં આવ્યા છે.