આગરાઃ તાજમહેલ માટે જગવિખ્યાત આગરાના એક ૯૦ વર્ષીય વૃદ્ધ પોતાના સંતાનોના વ્યવહાર અને વર્તનથી એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ સરકારને દાન કરી દીધી છે. ગણેશ શંકર પાંડે નામના વૃદ્ધને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. જોકે પાંચમાંથી એક પણ સંતાન તેમના આ વૃદ્ધ પિતાની સાથે વાતચીત નથી કરતા, કે ના તો તેમના કોઈ ખબરઅંતર પૂછે છે.
ગણેશ શંકર હાલ પોતાના અન્ય ત્રણ ભાઈઓની સાથે આગરાના પીપલમંડી વિસ્તારમાં રહે છે. પાંચ સંતાનો હોવા છતાં કોઈ તેમને સાથે રાખતું નથી. ગણેશ શંકરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મારા સંતાનો મારી સાથે કોઈ વાતચીત નથી કરતા અને જ્યારે પણ વાત કરે છે ત્યારે અત્યંત ખરાબ વર્તન કરે છે. હું માનસિક રીતે બહુ જ પરેશાન રહ્યો છું. મેં મારી વસિયત ડિવિઝનલ મેજિસ્ટ્રેટના નામે કરી દીધી પણ તેઓએ હજુ તેનો સ્વીકાર નથી કર્યો. જોકે, હવે મેજિસ્ટ્રેટ દ્વારા અંતે તેનો સ્વીકાર કરાયો છે. પોતાના વસિયતમાં ગણેશ શંકરે લખ્યું છે કે હું કોઈ પણ પ્રકારના દબાણ વગર આ સંપત્તિને દાન કરી રહ્યો છું.