પટનાઃ દર વર્ષે વિનાશક પૂરનો ભોગ બનતાં બિહારમાં એક એવું ઘર તૈયાર કરાયું છે, જે પુરની આપદા વેળા ડૂબવાને બદલે તરવા લાગે છે. વળી, આ મકાનની વિશેષતા એ છે કે તેને નકામી, બિનજરૂરી ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.
સેન્ટર ઓફ રિજિલિએન્સના અપસાઇકલિંગ આર્ટિસ્ટ પ્રશાંત પાંડેએ બે વર્ષની આકરી જહેમતના અંતે તૈયાર કરેલાં આ ઘરને ગંગા નદીના માર્ગે જ બક્સરથી પટના લઈ જવાઇ રહ્યું છે, આ અનોખું ઘર 15 ઓક્ટોબર સુધીમાં પટના પહોંચી જશે તેવી ધારણા છે. પ્રશાંત કહે છે, ‘જૂની અને નકામી ચીજવસ્તુઓમાંથી આ ઘરનો એક રૂમ અને રસોડું બનાવ્યા છે.' પુરગ્રસ્ત વિસ્તારોમાં અને ગામોમાં તરતાં ઘર બનાવી શકાય છે.
પ્રશાંત કહે છે, ‘આ ઘર સ્લાઈડિંગ ચેનથી બંધાયેલા રખાશે, અને પૂર આવતાં 10 ફૂટ સુધી ઉપર આવી શકશે.’ પ્રશાંત હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવાં ઘર, સ્કૂલ, સામાજિક ભવનો બનાવીને ગામ વસાવવાના પ્રોજેક્ટ પર કામ કરવા ઇચ્છે છે.
આત્મનિર્ભર ઘર...
આ પ્રોજેક્ટમાં જોડાયેલા 22 દેશોના વોલન્ટિયર્સે માટી, ઘાસ-ફૂલ, ચૂનો, વાંસ અને નકામી વસ્તુમાંથી આ ઘર બનાવ્યું છે. આ ઘર શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવે છે. મકાનમાં પોતાના માટે જરૂરી સૌર અને પવનઊર્જા ઉત્પન્ન કરવાની સાથોસાથ સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરી શકે છે. ‘લો ટેક્’ એટલે કે ઓછા ખર્ચે દેશી ટેકનિકથી બન્યું હોવાથી લોકો જાતે જ પોતાનું ઘર બનાવી શકે છે.