નવી દિલ્હી: ભારતમાં પહેલી વાર સમાનતાની વાત કરનારા સંત રામાનુજાચાર્ય સ્વામીનું તેલંગણમાં ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે. મંદિર ૪૫ એકરના વિશાળ વિસ્તારમાં બની રહ્યું છે અને તેનું ૮૦ ટકા કામ પણ પૂરું થઇ ચૂક્યું છે. તેના નિર્માણનો ખર્ચ ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
મંદિરની ખાસિયત એ છે કે અહીં સંત રામાનુજાચાર્યની બે મૂર્તિ હશે. પહેલી મૂર્તિ અષ્ટધાતુની બનેલી છે. ૨૧૬ ફૂટ ઊંચી આ પ્રતિમા સ્થાપિત થઇ ચૂકી છે. તેને ‘સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી’ (સમાનતાની મૂર્તિ) નામ અપાયું છે. જ્યારે બીજી મૂર્તિ ૧૨૦ કિલો સોનામાંથી આકાર લઇ રહી છે. જે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે.
હૈદરાબાદથી ૪૦ કિમી દૂર રામનગરમાં આ મંદિર બની રહ્યું છે. તેના નિર્માણનો પૂરો ખર્ચ દુનિયાભરમાંથી દાન દ્વારા એકત્રિત કરાઇ રહ્યો છે. રામાનુજાચાર્ય સ્વામી સનાતન ધર્મના એવા પહેલા સંત છે, જેમની આટલી મોટી મૂર્તિ સ્થાપિત કરાઇ છે. મંદિરનું નિર્માણ ૨૦૧૪માં શરૂ થયું હતું. સમગ્ર પ્રોજેક્ટમાં અષ્ટધાતુની મૂર્તિનો અંદાજિત ખર્ચ જ ૪૦૦ કરોડ રૂપિયા છે. અષ્ટધાતુમાંથી બનેલી આ સૌથી મોટી મૂર્તિ
છે. તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.