વડોદરાઃ આધુનિક માનુનીઓ ભલે માથું ઓળવાની ઝાઝી લપ્પનછપ્પનથી બચવા માટે બોબ્ડ હેર કરાવીને રાજી થતી હોય, પણ સવજીભાઇની વાત અલગ છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ૬૦ વર્ષના સવજીભાઇ લાલસિંગ રાઠવાના વાળ ૬૨ ફૂટ લાંબા છે. આટલા લાંબા વાળ ધોવા માટે તેમને ૩ કલાક જેટલો સમય લાગે છે. સવજીભાઇના વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતા હોવાની શક્યતા છે.
ઘોઘંબા તાલુકાના સરસવા ગામે રહેતા ૬૦ વર્ષીય સવજીભાઇ રાઠવાને તેમના વાળ માટે ઘણો જ લગાવ છે. તેમણે વાળ સાથેના પ્રેમને શોખમાં ફેરવીને વાળ વધારવાની શરૂઆત કરી હતી. આજે તેમના વાળ વધતા વધતા ૬૨ ફૂટે પહોચ્યા છે. આગામી દિવસોમાં તેમનું નામ ગિનીસ બુકમાં પણ આવે તેવી શક્યતાઓ છે. એક સ્વૈચ્છિક સંસ્થાએ તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવવા પ્રયાસ શરૂ કર્યા છે.
સવજીભાઇ વાળની ખાસ કાળજી રાખી રહ્યા છે અને આ માટે તેમણે વર્ષોથી બહારનું ખાવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં. તેમણે પોતાના ડાયટ પ્લાનમાં પણ ફેરફાર કર્યા છે. અમુક ખોરાક તેમણે સાવ જ બંધ કર્યો છે. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ માત્ર ફળ જ ખાય છે.
સવજીભાઇને તેમના વાળ ધોવામાં અંદાજે ૩ કલાક જેટલો સમય લાગે છે. તેઓ વાળને માથામાં પાઘડીને જેમ વાળ બાંધી દે છે. આ સમયે દૂરથી જૂઓ તો એવું જ લાગે કે તેમણે માથાંમાં દોરડું બાધ્યું છે. તેઓ ક્યારેક ઝાડ નીચે બેઠા હોય ત્યારે બાળકો તેમના વાળ ખોલીને સૂરજના તાપમાં પાથરી દે છે જેથી તેમના વાળ ખરાબ ન થઇ જાય.