એમ્સ્ટરડેમઃ નેધરલેન્ડના એક વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેર જવા માટેની વિમાનની ટિકિટ ખરીદી અને તે વિદ્યાર્થી સિડની પહોંચી ગયો, પરંતુ જ્યારે તે સિડની પહોંચ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ બીજું સિડની છે. વાસ્તવમાં મિલાન સ્કિપર નામના વિદ્યાર્થીએ જવું હતું ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેરમાં પણ તે પહોંચી ગયો કેનેડા અને આ બધું સસ્તી ટિકિટનાં ચક્કરમાં બન્યું. મિલાન સ્કિપર મુજબ તેણે વિમાનની આ ટિકિટ એટલા માટે ખરીદી હતી કે, તે અન્ય ટિકિટોની કિંમતની સરખામણીએ ઘણી સસ્તી હતી.
સ્કિપરે વિચાર્યું કે તે વિમાનથી સિડની પહોંચીને સીધો દરિયાકિનારે જઈને પોતાની રજાની મઝા માણશે, પણ તે પહોંચી ગયો કેનેડાનાં સિડનીમાં. ૧૮ વર્ષના સ્કિપરને કંઈક ગડબડ થઈ હોવાનો ખ્યાલ તો ત્યારે જ આવી ગયો હતો જ્યારે મુસાફરી દરમિયાન વિમાને ટોરન્ટો રોકાવું પડયું અને જ્યારે વિમાન આવ્યું તો તે બહુ નાનું એર કેનેડાનું પ્લેન હતું. બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તેણે ખોટી ટિકિટ બુક કરાવી હતી. બાદમાં વિમાનના કર્મચારીઓએ તેને પોતાના એમ્સ્ટરડેમ ખાતેનાં ઘેર પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી. દરમિયાન સ્કિપરે ‘ગો ફંડ મી’ નામથી એક પેજ શરૂ કર્યું, પણ તેને માત્ર ૨૮ ડોલર જ મળી શક્યા હતા, જ્યારે તેને ૩,૫૫૧ ડોલરની જરૂર હતી. સ્કિપરના પિતા અનુસાર જ્યારે તેઓ એમ્સ્ટરડેમ એર પોર્ટ પર લેવા માટે પહોંચ્યા ત્યારે તેઓ ખૂબ હસી પડયા હતા.
પહેલાંના કિસ્સા
વર્ષ ૨૦૦૨માં એક બ્રિટિશ યુગલ પણ ભૂલથી ઓસ્ટ્રેલિયાનાં સિડનીની જગ્યાએ કેનેડાનાં સિડની પહોંચી ગયું હતું. વર્ષ ૨૦૦૯માં પણ એક પિતા અને તેમનો દીકરો ભૂલથી અહીં પહોંચી ગયા હતા. વર્ષ ૨૦૧૦માં ઇટાલીના એક પર્યટક સાથે પણ આવું બન્યું હતું.