રિયાધઃ સાઉદી અરેબિયાના રણમાંથી ૮૮,૦૦૦ વર્ષ જૂની માનવ આંગળીના અવશેષો મળી આવ્યા છે. આ શોધને કારણે માનવોત્પતિનો ઈતિહાસ નવેસરથી લખવો પડી શકે એમ છે. એક થિયરી પ્રમાણે માનવજાતનું પ્રાગટ્ય આફ્રિકા ખંડમાં થયું હતું. ત્યાંથી જ વર્તમાન માનવ અંદાજે ૩૦,૦૦૦ વર્ષ પહેલા વિવિધ ખંડમાં ફેલાયો હતો. જોકે હવે આ આંગળીને કારણે એવું સાબિત થાય છે કે આફ્રિકા ખંડમાંથી માનવ બહાર નીકળ્યો એ પહેલાં અહીં માનવ વસાહત હતી.
૨૦૧૬માં સાઉદી અરેબિયાના રણમાં અભ્યાસ ચાલી રહ્યો હતો એ વખતે સાઉદી જિયોલોજિકલ સર્વેના સંશોધકોના હાથમાં નેફૂડ ડેઝર્ટમાંથી કેટલાક અસ્થિ મળી આવ્યા હતા. આ હાડકાંની તપાસ કર્યા પછી હવે એ આંગળી હોવાનું જણાઈ આવ્યું છે. વળી આ આંગળી અંદાજે ૮૮ હજાર વર્ષ પુરાણી છે. જોકે, આંગળીના આધારે જ આખો મનુષ્ય કેવો હશે, કયા પ્રકારનો મનુષ્ય હશે એ જાણવું મુશ્કેલ છે.
આ આંગળીનું થ્રી-ડી પ્રિન્ટર વડે સ્કેનિંગ કરાયું હતું. તેની લંબાઈ ૩.૨ સે.મી.ની છે અને એ બીજા ક્રમની એટલે કે મિડલ ફિંગર કહેવાતી આંગળીનું સૌથી મોટું હાડકું છે. એ હાડકું વળી અત્યારના માનવી એટલે હોમોસોપિયન્સનું હોવાની પ્રબળ શક્યતા છે. જ્યાંથી આંગળીના હાડકાં મળ્યા ત્યાંથી માનવ સિવાયના અન્ય પ્રાણીના અવશેષો પણ હાથ લાગ્યા છે. મતલબ કે આ વિસ્તારમાં કોઈ વસાહત હોવી જોઈએ. અગાઉ ઘણા સંશોધનો પરથી એ ખબર પડી ચૂકી છે કે સાઉદીનું રણ એક સમયે હરિયાળું જંગલ હતું. રેતી છે ત્યાં વન વિસ્તાર અને જળાશયો હતા.
વ્યાપક થિયરી પ્રમાણે આફ્રિકા ખંડને જ માનવોત્પતિનું પારણું મનાય છે. ત્યાંથી માનવો કાળક્રમે બહાર નીકળ્યા, જે થિયરી આઉટ ઓફ આફ્રિકા તરીકે ઓળખાય છે. પરંતુ આ થિયરીને ખોટી સાબિત કરતાં પુરાવા મળ્યા છે. અગાઉ પણ કેટલાક એવા અવશેષો મળ્યા છે જે આફ્રિકા બહાર માનવોત્પતિ થઈ હોવાનો સંકેત આપે છે.