નવી દિલ્હી: ગુનાખોરીની દુનિયાના અનેક માસ્ટરમાઈન્ડ છે પરંતુ, ધનીરામ મિત્તલ જેવા નહીં. સુપર નટવરલાલના નામે ઓળખાતા ધનીરામ પાસે કાનૂની સ્નાતકની ડિગ્રી અને હસ્તલેખનવિશ્લેષણ અને ગ્રાફોલોજીમાં કૌશલ્ય હોવા છતાં તેણે ગુનાખોરીનો રસ્તો પસંદ કર્યો હતો. બનાવટી દસ્તાવેજોના આધારે 1968થી 1974 વચ્ચે સ્ટેશન માસ્ટર તરીકે કામ કરનાર ધનીરામે હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની આસપાસના શહેરોમાં સેડાનથી લઈને એસયુવી સુધીની 1,000થી વધુ ગાડીઓની ચોરી કરી હતી.
ધનીરામ મિત્તલના સૌથી મોટા કારનામામાં ઝજ્જર કોર્ટમાં જજ બનવાનું ગતકડું સામેલ છે. આ માટે તેણે એડિશનલ સેશન્સ જજની ગેરહાજરીનો ફાયદો ઉઠાવ્યો હતો. આ જજને તેણે જ બનાવટી દસ્તાવેજોના આધારે રજા પર મોકલી દીધા હતાં. તેમની ગેરહાજરીમાં જજ બનેલા ધનીરામે બે મહિનાના ગાળા દરમિયાન 2000થી વધુ ગુનેગારોને મુક્ત કર્યા હતાં. સરકારને તેના કારનામાની જાણકારી મળતાં જ તમામ મુક્ત કરેલા ગુનેગારોને ટૂંક સમયમાં કસ્ટડીમાં પરત લીધા હતા.
સરકારે તેની વિરુદ્ધ જે કેસ કર્યો હતો તે કેસની સુનાવણી પણ તેણે જજ તરીકે કરી હતી. સરકારને તેના વિશે જાણકારી મળે તે પહેલા તે ભાગી છૂટ્યો હતો. ધનીરામની મોડસ ઓપરેન્ડી પ્રમાણે તે જૂના વાહનોને ટારગેટ કરતો હતો. જે વાહનોમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ જેવા ફિચર્સ ના હોય તેવી ગાડીઓ ચોરવી તેના માટે આસાન હતી. મારૂતિ એસ્ટિમને ભંગારમાં વેચવા જતાં તે ઝડપાયો હતો.
ધનીરામની અનેક વખત ધરપકડ કરવામાં આવી છે. પરંતુ, કાનૂની દાવપેચમાં નિપુણ એવા ધનીરામે દરેક સમયે કાયદામાં રહેલા છીંડાનો લાભ ઉઠાવીને જામીન મેળવ્યા છે. ધનીરામ મે, 2023માં જેલમાંથી છૂટ્યો હતો. તે બાદ તેની બીજી વખત ધરપકડ કરવામાં આવી છે. કાનૂની નિષ્ણાત આ સુપર નટવરલાલને સજા થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેના જીવન પરથી કોઈ ક્રાઈમ સીરિઝ જલ્દી જોવા મળી શકે છે.