બેઇજિંગઃ ચીનના મહાનગરથી હવાઇ ઉડયન ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સમાચાર આવ્યા છે. ચીનના નિષ્ણાતોએ એવું સુપરસોનિક જેટ વિકસાવ્યું છે જે તમને માત્ર બે કલાકમાં ન્યૂ યોર્કથી બેઇજિંગ પહોંચાડી દેશે. ચીને વિશ્વના સુપરફાસ્ટ કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ પ્લેન કોનકોર્ડથી પણ બમણી ઝડપે ઉડતા પ્લેનનો પ્રોટોટાઈપ વિકસાવીને તેનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. આ માહિતી આપતાં બેઇજિંગ સ્થિત ચીની કંપની સ્પેસ ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું હતું કે, તેમણે યુગઝિંગના પ્રોટોટાઈપનું પહેલું સફળ પરીક્ષણ કર્યું છે. હવે, કંપની તેના એન્જિનની કેપેસિટીઓનું વિસ્તૃત પરીક્ષણ આગામી દિવસોમાં કરશે.
પ્રોટોટાઇપના સફળ ટેસ્ટિંગથી ઉત્સાહિત કંપનીએ જણાવ્યું હતું કે આ સુપરસોનિક પેસેન્જર જેટની પહેલી ટેસ્ટ ફ્લાઈટ 2027માં ટેકઓફ કરવાની અમારી યોજના છે. આ સુપરસોનિક જેટની ઝડપનો અંદાજ લગાવવો હોય તો કહી શકાય કે તે પ્રવાસીઓને માત્ર બે કલાકના સમયમાં ન્યૂ યોર્કથી બેઈજિંગ લઈ જશે. હાલમાં આટલું હવાઇ અંતર કાપતાં 15 કલાક કરતાં પણ વધુ સમય લાગે છે. આ સુપરસોનિક જેટ અવાજની ગતિથી ચાર ગણી ઝડપે ઉડશે. સ્પેસ ટ્રાન્સપોર્ટેશનની સ્થાપના છ વર્ષ પૂર્વે યુડોંગ વેંગ દ્વારા કરવામાં આવી હતી.