નવી દિલ્હીઃ આસામની સુપ્રસિદ્ધ અને જવલ્લે જ ઉપલબ્ધ થતી ‘મનોહારી ગોલ્ડ ચ્હા’ની કિંમતે એક નવો રેકોર્ડ સર્જ્યો છે. આ ચ્હાની કિલોદીઠ રૂ. ૯૯,૯૯૯ની રેકોર્ડ કિંમતે ઓક્શન થઇ છે. મનોહારી ગોલ્ડ ચ્હાએ સૌથી મોંઘી ચ્હા તરીકેના પોતાના જ જૂના રેકોર્ડને તોડીને ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે. આ ગોલ્ડ ટીની ખરીદી સૌરવ ટી ટ્રેડર્સે સૌથી ઊંચી બિડ સાથે કરી છે.
ઉલ્લેખનીય છે કે મનોહારી ગોલ્ડ ટીનું ઉત્પાદન અપર આસામના દિબ્રુગઢ જિલ્લામાં મનોહારી ટી એસ્ટેટ દ્વારા કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચ્હાના પબ્લિક ઓક્શનમાં ચ્હા માટે અત્યાર સુધીની સૌથી વધારે કિંમત ચૂકવવામાં આવી છે. આ અગાઉ રસેલ ટી ઈન્ડસ્ટ્રીઝના ડિકોમ ટી એસ્ટેટ દ્વારા હાથથી ચૂંટીને તૈયાર કરવામાં આવતી અને ગોલ્ડન બટરફ્લાય ટી તરીકે ઓળખાતી ચ્હાની ભાગ્યે જ મળતી વેરાઇટી માટે ઓક્શનમાં કિલોદીઠ રૂ. ૭૫,૦૦૦ની કિંમત મળી હતી.
પરોઢિયે ચૂંટાય છે ચ્હાની પત્તી
મનોહારી ટી સ્ટેટના ડાયરેક્ટર રાજન લોહિયા આ ચ્હાની વિશેષતા જણાવતા કહે છે કે મનોહારી ગોલ્ડ ટીને સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે તે પહેલાં એટલે કે પરોઢિયે ચારથી છ વાગ્યાની વચ્ચે તોડી લેવામાં આવે છે. ચ્હાના પાન સાથે તેની કળીઓ પણ તોડવામાં આવે છે. જ્યારે કળી અને પાનને ચૂંટવામાં આવે છે ત્યારે તેનો રંગ લીલો હોય છે, પરંતુ ફર્મન્ટેશન પ્રોસેસમાંથી પસાર થયા બાદ તેનો રંગ ભૂરો થઈ જાય છે. ત્યાર બાદ તેને સૂકવવા આવે છે ત્યારે તે તેના નામની જેમ ગોલ્ડ કલર પકડે છે. આસામમાં આ દુર્લભ ચ્હા પત્તીની ખેતી ૩૦ એકરમાં કરાય છે. ખેતીનો આટલો વિશાળ વિસ્તાર છતાં વર્ષે માત્ર ૨.૫ કિલો જ ઊપજ થઈ હતી. જેમાંથી પણ માત્ર ૧.૫ કિલો ચ્હા જ વેંચવામાં આવી છે.
ચ્હાના ઓક્શનમાં આ વિશ્વવિક્રમ
ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશનના સેક્રેટરી દિનેશ બિહાણીએ જણાવ્યું હતું કે મનોહારી ગોલ્ડ ટીએ ૧૪ ડિસેમ્બરે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર ખાતે ઓક્શનમાં કિલોદીઠ રૂ. ૯૯,૯૯૯ની કિંમત મેળવીને ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ચ્હાના ઓક્શનમાં આ એક વિશ્વવિક્રમ છે. અમારા માટે ગર્વની બાબત છે કે મનોહારી ગોલ્ડન ટી આટલી જંગી કિંમતે વેંચાઈ છે. આ ચ્હા સવિશેષ અને દુર્લભ છે. મને આશા છે કે આસામનો ચ્હા ઉદ્યોગ ભવિષ્યમાં પણ આ પ્રકારની વિશેષ ચ્હા, સફેદ ચ્હા, ઉલોંગ ચ્હા, લીલી ચ્હા, પીળી ચ્હાનું ઉત્પાદન કરશે.
૨૦૧૯માં ઊંચી કિંમતનો રેકોર્ડ થયો હતો
અગાઉ ૩૦ જુલાઈ ૨૦૧૯માં મનોહારી ગોલ્ડ ચ્હા ગુવાહાટી ટી ઓક્શનમાં કિલોદીઠ રૂ. ૫૦,૦૦૦ની કિંમતે વેચાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. તે સમયે પણ ગુવાહાટીના સૌરભ ટી ટ્રેડર્સે આ ચાની ખરીદી કરી હતી. જોકે પહેલી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ માઇજાન ટી ગાર્ડનની ઓર્થોડોક્સ ટિપ્સ ટીનું વેચાણ કિલોદીઠ રૂ. ૭૦,૫૦૧ની કિંમતે થયું હતું અને ગુવાહાટી સ્થિત મુન્દ્રા ટી કંપનીએ તેની ખરીદી કરી હતી. જોકે તે પછી ગુવાહાટી ટી ઓક્શનમાં ડિકોમ ટી એસ્ટેટની ગોલ્ડન બટરફ્લાય ચા કિલોદીઠ રૂ. ૭૫,૦૦૦ની કિંમતે વેચાઈ હતી. ગુવાહાટીની ચ્હાની સૌથી જૂની દુકાનનું બિરુદ ધરાવતી આસામ ટી ટ્રેડર્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આ ચ્હાની ખરીદી કરવામાં આવી હતી.