નવી દિલ્હી: ખગોળીય પિંડોમાં ઘણી વાર એવી ઘટનાઓ જોવા મળે છે કે જેના અજીબ તારણ કાઢી શકાય છે. ઘણી વાર તારણ સાચા તો ઘણી વાર ખોટા પણ સાબિત થાય છે. આ કારણથી જ વિજ્ઞાનીઓ જલદી કોઇ નિષ્કર્ષ પર આવી શકતા નથી અને સંભવિત પરિણામોની પુષ્ટિ અને પરીક્ષણ કરતા રહે છે. આવી જ એક ઘટના સૂર્યની સપાટી પર બની છે.
સૂર્યના ઉત્તર ધ્રુવ પર ધ્રુવીય વમળ આકારનો એક હિસ્સો ઊઠતો દેખાઇ રહ્યો છે, જેને જોતાં એમ જ લાગે કે જાણે સૂર્યનો એક હિસ્સો અલગ થઇ રહ્યો છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના કારણે આ અવલોકન શક્ય બની શક્યું છે. જેણે વિજ્ઞાનજગતમાં કુતૂહલ સર્જ્ય છે. તામિથા સ્કોવ નામનાં વેધર ફિઝિસિસ્ટે સોશિયલ મીડિયા પર આ રોચક ઘટનાનો ઉલ્લેખ કરતું ટ્વિટ કર્યું છે. જેમાં ‘નાસા’નો એક નાનકડો વીડિયો પણ સામેલ છે. (આ વીડિયો નિહાળવા યુટ્યુબમાં સર્ચ કરો આ લિંકઃ bit.ly/3K70kun)
તામિથાએ ટ્વિટમાં લખ્યું છે કે, ધ્રુવીય વમળની વાત કરીએ. સૂર્યના ઉત્તર ધ્રુવ નજીક પદાર્થ એક તંતુમાંથી અલગ થતો જોવા મળ્યો છે અને વિશાળ ધ્રુવીય વમળના રૂપમાં ફરી રહ્યો છે. તેની સૂર્યના વાયુમંડળની ગતિ પર અસરો અંગે હાલના તબક્કે વધારે કહી શકાય તેમ નથી.
આ શું હોઈ શકે છે?
આ ઘટના અંગે ભ્રમની સ્થિતિ છે. તેનો સંબંધ સૂર્યના મેગ્નેટિક ફિલ્ડના પલટાવ સાથે કે 11 વર્ષ સુધી ચાલતા સૌર ચક્ર સાથે પણ હોઇ શકે છે, જે સૌર ચક્રની આ સ્થાન પર અસર થતી હોય છે. ઘણા ભૌતિક વિજ્ઞાનીઓનું માનવું છે કે આ ઘટના અનપેક્ષિત નથી. આવી ઘટના સૌર ચક્રમાં એક વાર આ જ જગ્યા પર થાય છે.
કોલોરાડોના બોલ્ડર સ્થિત નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફિયરિક રિસર્ચના સોલર ફિઝિસિસ્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટર સ્કોટ મેકિન્તોશે કહ્યું કે આવા વમળ તેમણે પહેલાં ક્યારેય નથી જોયા. સૂર્યના 55 ડિગ્રી અક્ષાંશ પર કંઇક અજીબ થઇ રહ્યું છે, જેનો સંબંધ 11 વર્ષના સૌર ચક્ર સાથે છે. તેમણે આને વધતા સોલાર પ્લાઝમા ગણાવ્યા છે.
જોકે ઘણા સવાલો અનુત્તર
વિજ્ઞાનીઓ હજુ સુધી એ નથી જાણી શક્યા કે સૌર ચક્રમાં 11 વર્ષમાં થતાં ફેરફારોની આવી અસરો કેમ જોવા મળે છે. તે એક વારમાં ધ્રુવની તરફ જ કેમ જાય છે અને પરત આવ્યા પછી ગાયબ કેમ થઇ જાય છે? આ સમગ્ર પ્રક્રિયા 3-4 વર્ષ સુધી ચાલે છે પણ મોટો સવાલ એ જ છે કે એક જ જગ્યાએથી શરૂ થઇને તે જ જગ્યાએ ખતમ કેવી રીતે થાય છે!
વિજ્ઞાનીઓએ નિયમિતપણે અવલોકન કર્યું છે કે પ્લાઝમાના તંતુ ધ્રુવમાંથી તૂટીને અલગ થતા રહે છે પણ તેમણે આવા વમળ અગાઉ ક્યારેય નથી જોયા. તેઓ જાણે છે કે સૂર્યનો ધ્રુવીય વિસ્તાર તારાઓનું ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેના કારણે 11 વર્ષની ચક્રીય ગતિવિધિ થાય છે.