ગુવાહાટીઃ તન-મનથી ચુસ્ત-દુરસ્ત વ્યક્તિ માટે પણ ગુગલ જેવી જગવિખ્યાત કંપનીમાં જોબ મેળવવાનું કપરું છે ત્યારે આઇઆઇટી-ગુવાહાટીના સેરેબ્રલ પાલ્સી (લકવા)થી પીડિત 22વર્ષના એક યુવાને આ કંપનીના પે-રોલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. પ્રણવ નૈયર નામના આ યુવાને આઈઆઈટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. સેરેબ્રલ પાલ્સીને કારણે પ્રણવ વ્હીલચેર પર બેસીને અભ્યાસ કરતો હતો, અને જ્વલંત દેખાવ માટે આકરી મહેનત કરતો હતો. જોકે તેની આ મહેનત હવે રંગ લાવી છે અને આંતરરાષ્ટ્રીય કંપનીમાં તેણે સ્થાન મેળવ્યું છે.
આઇઆઇટી ગુવાહાટીમાં ગુગલ દ્વારા કમ્પ્યુટર એન્જિનિયર્સ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયા હતા, જેમાં પ્રણવ તમામ માપદંડમાં ખરો ઉતરતા તેની પસંદગી કરાઇ છે. પ્રણવે જણાવ્યું હતું કે મેં અનેક મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે પ્રયાસ કર્યો પણ મને કોઈએ તક ના આપી, અંતે મારી ૫સંદગી આઈઆઈટી ગુવાહાટીમાં થઇ હતી. અન્ય સંસ્થાઓમાં ક્લાસરૂમ ઉપરના ફ્લોર પર હતા અને જો મને એડમિશન આપ્યું હોત તો તેમણે એલિવેટરની વ્યવસ્થા કરવી પડી હોત. અથવા વર્ગો નીચલા ફ્લોર પર શરૂ કરવા પડ્યા હોત. તેમને આવું ના કરવું પડે તે માટે કોઇ પસંદગી જ કરતું નહોતું. આમ ઉચ્ચ અભ્યાસની વાત તો ઠીક એડમિશન મેળવવું જ મારા માટે સૌથી મોટો પડકાર હતો. જોકે હવે ગુગલમાં પસંદગી થવાથી પ્રણવ ખુશખુશાલ છે.
વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર ભારતમાં 2.68 કરોડ દિવ્યાંગ છે, જેની સંખ્યા હવે વધીને બમણી કે તેનાથી પણ વધુ હોવાની શક્યતાઓ છે. પ્રણવની જેમ અન્ય દિવ્યાંગો પણ શિક્ષણ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે પ્રણવ કહે છે કે મેં સંજોગો સામે હાર નહોતી માની અને મારે કોઈ પણ સંજોગોમાં આ શિક્ષણ મેળવવું હતું. પ્રણવે કહ્યું હતું કે મારા માતાપિતાના સહકાર વગર હું આ પ્રાપ્ત ના કરી શક્યો હોત. આઇઆઇટી ગુવાહાટીમાં પણ મને શિક્ષણની સારી તક મળી હતી. મેં મોટાભાગે ઓનલાઈન જ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો અને તે મને ઘણું જ મદદરૂપ સાબિત થયું.