ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સાકાર થયેલી સેલા ટનલે વિશ્વમાં સૌથી ઊંચાઇએ બનેલી સૌથી લાંબી ટનલની આગવી નામના મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી માર્ચે દેશને સમર્પિત કરેલી 12 કિલોમીટર લાંબી આ ટનલ 13,700 ફૂટની ઊંચાઈ પર સાકાર થઇ છે. આસામના ગુવાહાટીને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડતી આ ટનલ એલએસીથી માત્ર આઠ કિલોમીટરના અંતરે છે. અત્યાર સુધી શિયાળામાં ભારે બરફવર્ષાને લીધે આ વિસ્તાર સાત - સાત મહિના સુધી દેશથી સંપર્કવિહોણો રહેતો હતો, અને ઈમરજન્સીમાં અહીં હવાઈ માર્ગે જ પહોંચી શકાતું હતું, પરંતુ આશરે 800 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલી સેલા ટનલના નિર્માણ બાદ આ રસ્તો બારેમાસ ખુલ્લો રહેશે.
અત્યાર સુધી સેનાને તેમનાં ભારે સાધનોને જવાનોને રોડ માર્ગે તવાંગ લઈ જવામાં નવથી દસ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે આ ટનલ દ્વારા માત્ર 8 કલાકમાં ઈટાનગરથી 427 કિમી દૂર તવાંગ પહોંચી જવાશે. સેલા ટનલના નિર્માણથી પ્રવાસીઓ વર્ષ દરમિયાન કોઇ પણ સમયે ચીન સરહદે નજીક પહોંચી શકશે.
રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત
સંરક્ષણ નિષ્ણાત કે.સી. અપાંગ જણાવે છે કે અરુણાચલની 1,080 કિમી લાંબી સરહદ 520 કિમી લાંબી ચીન, મ્યાનમાર અને 217 કિમી લાંબી સરહદ ભૂતાન સાથે જોડાયેલી છે. આ વિસ્તારોમાંથી ચીનની સેના 1962ના યુદ્ધ વખતે ભારતમાં પ્રવેશ કરી આસામના તેજપુર શહેર નજીક પહોંચી ગઈ હતી. ગલવાન અથડામણ પછી ભારત સરકારે અરુણાચલના સરહદી વિસ્તારોમાં ચીનની વધતી ગતિવિધિઓને રોકવા માટે ધંણા નક્કર પગલાં લીધાં છે. સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવ્યા હતા. ચીન પર સરહદ નજીકનાં ડઝનેક ગામોને પોતાની તરફે વસાવવાનો આરોપ છે. શિયાળાની ઋતુમાં જ્યારે હિમવર્ષાને કારણે તવાંગ ભારતથી સંપર્કવિહોણું બને છે ત્યારે ચીનની ગતિવિધિઓ તેજ થાય છે. હવે સેલા ટનલ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત થશે.
ભારતની વ્યૂહાત્મક સિદ્ધિ
વ્યૂહાત્મક નિષ્ણાત અને તવાંગમાં એલએસીને અડીને આવેલા વિસ્તારોમાં લાંબા સમય સુધી કામ કરી ચૂકેલા વી.કે. મોહંતીએ જણાવ્યું હતું કે આ ટનલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે. વાસ્તવમાં આ ટનલ દ્વારા આસામના સોનીતપુર જિલ્લાના તેજપુરમાં સ્થિત આર્મી કોર્પ્સના મુખ્યાલય અને સરહદી શહેર તવાંગ વચ્ચેનું અંતર માત્ર એક કલાક ઓછું થઈ જશે પરંતુ આ રોડ 12 મહિના સુધી ખુલ્લો રહે તો તેનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. હાલમાં તવાંગથી તેજપુર અથવા ઇટાનગરને જોડતો રસ્તો સેલા નજીકથી પસાર થાય છે.
હાલમાં અરુણાચલની રાજધાની ઈટાનગર અને તવાંગ વચ્ચેનું 447 કિમીનું અંતર કાપવામાં લગભગ 14 કલાકનો સમય લાગે છે. જ્યારે તેજપુર અને તવાંગ વચ્ચેનું 327 કિમીનું અંતર કાપવામાં નવ કલાકથી વધુ સમય લાગે છે. શિયાળાની ઋતુમાં ભારે હિમવર્ષા દરમિયાન આ રસ્તો કેટલાક મહિનાઓ સુધી બંધ રહે છે. ભારે વરસાદ દરમિયાન પણ જમીન ધસી જવાને કારણે વાહનવ્યવહાર ઘણીવાર અટકી જાય છે. ત્યારે આ વિસ્તારમાં પહોંચવા માટે હેલિકોપ્ટર જ એકમાત્ર રસ્તો છે.
દરરોજ 5 હજારથી વધુ વાહનો અવરજવર
સેલા ટનલના નિર્માણ સાથે જોડાયેલા એક એન્જિનિયરનું કહેવું છે કે તે વિશ્વની ડબલ રોડવાળી સૌથી લાંબી ટનલ છે. આ પ્રોજેક્ટમાં કુલ 2 ટનલ બનાવાઇ છે. પ્રથમ ટનલ 993 મીટર લાંબી અને સિંગલ લેન છે. બીજી મુખ્ય ટનલ ડબલ લેન છે. રોજના 5 હજાર વાહનોની અવરજવર શક્ય બનશે.