નવી દિલ્હીઃ સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું લોહી પણ ગંઠાઈ જાય છે. તેથી તેમણે ઘણા પ્રકારની સાવધાની રાખવી પડે છે. એટલું જ નહીં, તેમને નહાવા માટે ૯૦ દિવસ એટલે કે ત્રણ મહિના સુધી રાહ જોવી પડે છે.
જોકે સિયાચીનમાં તૈનાત જવાનોને હવે એવી પ્રોડક્ટસ અપાશે કે જે સંપૂર્ણપણે વોટરલેસ તેમજ હાઇજેનિક હશે. તેમણે નહાવા માટે હવે ૯૦ દિવસ સુધી રાહ નહીં જોવી પડે. વોટરલેસ બોડીવોશના ઉપયોગથી જવાનો અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત નહાઈ શકશે. માત્ર ૨૦ એમ.એલ. જેલથી આખું બોડી વોશ કરી શકાશે. આ બોડીવોશ આર્મી ડિઝાઇન બ્યુરો (એડીબી)એ તૈયાર કર્યું છે. એડીબીએ તેના પર ઓગસ્ટ ૨૦૧૬માં કામ શરૂ કર્યું હતું. સૈન્ય અને ખાનગી ક્ષેત્રની એક કંપનીએ સાથે મળીને બોડીવોશ તૈયાર કર્યું છે.