પેન્સિલ્વેનિયાઃ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા આલ્બર્ટ લેક્સિ બાળકોની હોસ્પિટલ બહાર બેસીને જૂતા રિપેરિંગનું, પોલિશનું કામ કરતા હતા. પરંતુ શહેરીજનોમાં તેમની છબી રોબિન હૂડની હતી. કારણ?! આલ્બર્ટ જે કંઇ પણ કમાતા હતા તે તમામ રકમનું બાળકોને જ દાન કરતા હતા. આ સિલસિલો લગાતાર ૨૫ વર્ષથી ચાલતો હતો. ગયા સપ્તાહે આલ્બર્ટનું નિધન થયું. ત્યારબાદ એક સંસ્થાએ આલ્બર્ટે જિંદગીભર આપેલા દાનની રકમનો સરવાળો માંડ્યો તો તે આંકડો બે લાખ ડોલર એટલે કે દોઢ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
આલ્બર્ટ ફ્રી કેર ફંડ નામની સંસ્થા દ્વારા બાળકોના અભ્યાસ માટે દાન આપતા હતા. તેમની પાસે મહિના-બે મહિને જે રકમ ભેગી થતી હતી તે આ સંસ્થાને આપી દેતાં હતા. તેમના મૃત્યુ બાદ સંસ્થાએ તપાસ કરી તો ફ્રી કેર ફંડ પણ આશ્ચર્યમાં પડી ગયું. આલ્બર્ટ જે હોસ્પિટલ સામે બેસીને જૂતાને પોલિશ કરતા હતા ત્યાંના ચીફ ડોક્ટર ગેસનર કહે છે કે ૧૯૮૨ના વર્ષની વાત છે. હું હોસ્પિટલમાં જોડાયો તો જોયું કે એક શૂ પોલિશ કરનાર પણ રોડ પર બેસીને કામ કરતો હતો.
વર્ષો વિતતા ગયા. તે માણસ ચૂપચાપ પોતાનું કામ કર્યે જતો હતો. તે રોજ સવારે પાંચ વાગે ઉઠીને પોતાના ગામથી બે કલાકની મુસાફરી કરીને હોસ્પિટલ સામે આવી બેસતો હતો અને પોતાનું કામ શરૂ કરતો હતો. ધીરે ધીરે લોકો તેને ઓળખવા લાગ્યા. તેનું નામ આલ્બર્ટ હતું. ૧૯૯૪-૯૫માં અમને આલ્બર્ટની કથા ખબર પડી. બાળકોની હોસ્પિટલ સામે બેસવાથી તેને બાળકો માટે ઘણો પ્રેમ હતો. એક પોલિશના તે બે ડોલર કમાતો હતો. પૈસા બચાવીને તે તમામ બાળકોના અભ્યાસ માટે કામ કરતી એક સંસ્થાને આપતો હતો. જ્યારે લોકોને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે લોકો માત્ર આલ્બર્ટના ઉમદા કામમાં મદદ કરવાના ઉદ્દેશથી તેની પાસે પોલિશ કરાવતા હતા.
આલ્બર્ટના આ નેકદિલ પ્રયાસને રાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ મળી. તેને ૨૦૦૬માં નેશનલ કેરિંગ એવોર્ડથી સન્માનિત પણ કરાયો હતો. જોકે આ પછી પણ તેણે આ કામ છોડ્યું નહીં. ૧૯૯૮માં ત્યારે આલ્બર્ટના ગામમાં તેના આ અનોખા કામની જાણ થઈ તો સમગ્ર ગામને ગૌરવ થયું. ત્યારથી આલ્બર્ટના જન્મદિનને તેના ગામના લોકો ‘આલ્બર્ટ ડે’ તરીકે ઉજવે છે.