કેલિફોર્નિયા: આ એક કાચબા ડિએગોની વાત છે. ૫૦ વર્ષ પહેલાં તેની પ્રજાતિમાં ફક્ત ત્રણ કાચબા રહી ગયા હતા, પણ ચેલોનો એડિસ હુડેનસિસ પ્રજાતિના કાચબા ડિઓગોએ તેની યૌન સક્રિયતાથી તેની પ્રજાતિને લુપ્ત થતી બચાવી છે સાથે દૂર દૂર સુધી તેની સેકસલાઇફની પણ ચર્ચા જગાવી છે. આજે આ પ્રજાતિના ૨,૦૦૦ કાચબા છે તેમાં એકલો ડિએગો ૮૦૦થી વધુ કાચબાઓનો બાપ છે. તેની ઉંમર ૧૦૦ વર્ષ છે, પણ તે હજી પણ પિતા બનવાની ક્ષમતા ધરાવે છે. ઇક્વોડરના ગાલાબેગોસ આર્કિપેલાગો ટાપુ પર રહેનારા ડિએગોની સેક્સલાઇફ મશહૂર થઈ છે. કાચબાનાં સંરક્ષણ વિભાગના નિષ્ણાતો તેની યૌન સક્રિયતાથી વિસ્મય પામી ગયા છે. ડિએગોની પ્રજાતિવાળા કાચબાઓ ફક્ત એસ્પાન્યોલામાં જ જોવા મળે છે. ગાલાપેગોસાના આ સૌથી જૂના ટાપુ છે અને ચાર્લ્સ ડાર્વિને તેનો અભ્યાસ અહીં કર્યો હતો.
૫૦ વર્ષ પહેલાં ડિએગોની પ્રજાતિના અહીં બે નર અને ૧૨ માદા જ બચ્યા હતા, તેઓ એટલાં દૂર હતાં કે તેમની પ્રજાતિ અને વંશવેલો આગળ વધવાની કોઈ શકયતા નહોતી, પણ આ પછી ડિએગોએ અલગ અલગ છ માદા કાચબા સાથે સંબંધ બાંધતાં કાચબાના બાળકોનો જન્મ થવા લાગ્યો. આ પ્રજાતિનો વંશવેલો વધવા લાગ્યો. વંશવેલો આગળ વધારવામાં બે બીજા કાચબા પણ તેને મદદ કરી રહ્યા છે, પણ પરિવારનો મુખ્ય નર તો ડિએગો જ છે. તેને છ માદા આ કાર્યમાં સાથ આપી રહી છે.
પાંચ ફૂટ ઊંચો ડિએગો
ડિએગોનું વજન ૮૦ કિલો છે. તે ૯૦ સે.મી. લાંબો છે જો તેના પગ પૂરેપૂરા ફેલાવે તો તેની ઊંચાઈ ૫ ફૂટ થાય છે. તે સેન ડિએગો ઝૂમાંથી મળી આવ્યો હતો તેથી તેનું નામ ડિએગો પાડવામાં આવ્યું છે. જ્યારે તેની દુર્લભ પ્રજાતિની ઓળખ થઈ ત્યારે વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નજીકના કાચબાઓને શોધવા લાગ્યા હતા. ૧૯૭૬ સુધી ડિએગો કેલિફોર્નિયાનાં ઝૂનો મહેમાન હતો. આ પછીને તેને બ્રિડિંગનાં કામ માટે ઇક્વેડોર લાવવામાં આવ્યો હતો.