સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં બેસીને કોઈ પુસ્તકનાં થોડાંક પાનાં નથી વાંચતા ત્યાં સુધી તમને આ સલૂનની કોઈ સેવા મળતી નથી. સલૂનમાં 350થી વધુ પુસ્તકો છે. અને તેમાંથી કેટલાંક બ્રેઇલ લિપિમાં પણ છે, જેથી પ્રજ્ઞાચક્ષુઓ પણ પુસ્તક વાંચવાનો નિયમ પાળી શકે.
આ અનોખા સલૂનના વાચનપ્રેમી માલિક કૈલાશ કાટકર ઇચ્છે છે કે સલૂનમાં વાળ કપાવવા આવનારા ગ્રાહકો મોબાઈલ કે ટીવી જોવામાં સમય વેડફવાને બદલે કંઇક વાંચન કરે અને તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે.
તાલુકાના મોડનિંબ ગામમાં આવેલા આ સલૂનમાં - કૈલાશ કાટકરના આ નિયમના કારણે - રોજ 70થી 80 ગ્રાહક પુસ્તકો વાંચે છે. એટલું જ નહીં, સલૂનના નિયમિત ગ્રાહકો આખું પુસ્તક વાંચવા માટે તેને ઘરે પણ લઈ જઈ શકે છે.
દુકાનમાં નાનાં બાળકો માટે વાર્તાનાં પુસ્તકો અને મહાપુરુષોની જીવનકથાઓ પણ છે. વયસ્કો લોકો માટે વાર્તા, કવિતા, આત્મકથા, અને અનુવાદિત સાહિત્યનાં પુસ્તકો પણ છે. તો સલૂનમાં ડો. કલામ, વિનાયક સખારામ ખાંડેકર, રણજિત દેસાઈ, સુધા મૂર્તિ, શ્યામ બુરકે જેવા અનેક જાણીતા સાહિત્યકારોનાં પુસ્તકો પણ છે.
કૈલાશ કાટકરનું 10 ફૂટ બાય 11 ફૂટનું નાનકડું સલૂન હવે મોડનિંબ ગામનું પુસ્તકાલય બની ગયું છે. દુકાનમાં ગ્રાહકો પણ પૂરતા પ્રમાણમાં આવે છે અને તેના પ્રમાણમાં પુસ્તકોની સંખ્યા પણ પૂરતી છે. રોજના 8-10 ગ્રાહકો નિયમિતપણે પુસ્તક લઇ જાય છે.