અબુ ધાબીઃ આ તસવીર અરબ દેશોના સૌથી જૂના ડેઝર્ટ ફેસ્ટિવલ મોરીબ ડૂનની છે. લિવા ડેઝર્ટમાં યોજાતો આ ફેસ્ટિવલ ૯ દિવસ સુધી ચાલે છે. આ ફેસ્ટના ઊંટ, ઘોડા અને કાર રેસ ખૂબ જ ચર્ચિત છે. હંમેશા વિવાદાસ્પદ રહેલી આ ઊંટ રેસની તસવીરને ટેક્નોલોજીએ બદલી નાખી છે. મતલબ કે હવે ઊંટની પીઠ પર બાળકો નહીં રોબોટ બાંધવામાં આવે છે.
અગાઉ ઊંટ પર બાંધવામાં આવેલા બાળકોના રડવાના અવાજથી ગભરાઇને ઊંટ તીવ્ર ઝડપે દોડતા હતા. આ દરમિયાન અનેક બાળકો પડીને ઘાયલ થઈ જતા હતા, ઘણાની કરોડરજ્જૂ તૂટી જતાં આજીવન અપંગ બની જતા હતા અને ઘણાં મૃત્યુ પણ પામતાં હતાં. આ રેસ માટે આશરે બેથી ત્રણ વર્ષના બાળકોને પાકિસ્તાન, સુદાન જેવા ગરીબ દેશોથી લવાતાં હતાં. દુનિયાભરમાં આ રેસ સામે વિરોધનો વંટોળ ઉઠ્યા બાદ ૨૦૦૨માં બાળકોને ઊંટ બાંધવા સામે પ્રતિબંધ લદાયો હતો.
રોબોટ આદેશ આપે, ચાબુક મારે
રિમોટથી સંચાલિત થતો આ રોબોટ ૪ કિલોનો હોય છે. તેમાં ૧૨ વોલ્ટની હેન્ડ ડ્રિલ હોય છે જે ચાબુકનું કામ કરે છે. તેમાં ઊંટને ઝડપી દોડાવવા માટે વિવિધ સાઉન્ડ રેકોર્ડ કરેલા હોય છે. તેમાં લાગેલા વોકીટોકીની મદદથી માલિક ઊંટને નિર્દેશ આપે છે.
ઊંટ રેસનો ટ્રેક ૧.૮ કિલોમીટર લાંબો હોય છે. ટ્રેનિંગ દરમિયાન ઊંટોને ૩ કિલોમીટર દોડાવાય છે. સ્પીડ પ્રતિ કલાક ૬૪ કિલોમીટરની હોય છે. રેસ જીતનારા ઊંટના માલિકને આશરે ૧૩ કરોડ રૂપિયાનું ઇનામ મળે છે. વિજેતા ઊંટ આશરે ૭૦ કરોડ રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાય છે. અરબ દેશોના લોકો પોતાના ઊંટોને પ્રદર્શન માટે લાવે છે.