અબુધાબીઃ માત્ર સૌરઊર્જા સંચાલિત વિમાન ‘સોલાર ઈમ્પલ્સ-૨’એ ૨૬મી જુલાઈએ અરાઉન્ડ ધ વર્લ્ડ પ્રવાસ પૂરો કરવામાં સફળતા મેળવી હતી. આ વિમાન ગયા વર્ષે ૯મી માર્ચે અબુધાબીથી રવાના થયું હતું અને સોમવારે (૨૫ જુલાઈ) ફરીથી અબુધાબીમાં લેન્ડ થયું હતું. એ સાથે જ સોલાર વિમાન દ્વારા વિશ્વ પ્રવાસનો નવો કીર્તિમાન નોંધાયો હતો. સાથે સાથે ભવિષ્યમાં સૌરઊર્જા દ્વારા વિમાનો ચલાવવાની દિશામાં પણ નવો માર્ગ ખૂલ્યો હતો.
આ પહેલાં વિમાન ઈજિપ્તના શહેર કેરો પહોંચ્યું હતું. ત્યાંથી અબુધાબી સુધીનું ૨,૬૯૪ કિલોમીટરનું અંતર ૪૮ કલાક, ૩૭ મિનિટમાં કાપ્યું એ સાથે વિમાનનો વિશ્વ પ્રવાસ પૂરો થયો હતો. આ વિમાન મોટેભાગે પ્રવાસ દરમિયાન દિવસે જ ઉડતું હતું, પરંતુ જ્યારે જ્યારે સમુદ્ર પાર કરવાના આવ્યા ત્યારે વિમાને એકધારો પ્રવાસ કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સફર દરમિયાન જાપાનના નોયોગાથી વિમાન ગયા વર્ષે ૨૮મી જૂને ઉપડયું અને અમેરિકાના હવાઇ ટાપુ પર પહોંચ્યું ત્યારે વિમાને સતત ૧૧૮ કલાક હવામાં રહી ૮૯૨૪ કિલોમીટરની સફર કરી હતી. ઉડાનના ઈતિહાસમાં એ એક અનોખો વિક્રમ છે.
એક ઉડાન, ૧૯ વિક્રમ
આ વિમાનનો આઈડિયા મૂળભૂત રીતે સ્વિત્ઝર્લેન્ડના સાહસિક બર્ટ્રાન્ડ પિકાર્ડનો હતો. તેમની સાથે આ સાહસમાં સ્વિત્ઝર્લેન્ડના જ લશ્કરી પાઈલટ આન્દ્રે બ્રોશબર્ગ પણ જોડાયા હતાં. બન્ને સાહસિકોએ મળીને આ વિશ્વ પ્રવાસ પૂર્ણ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન એવિએશન સાથે સંકળાયેલા કુલ ૧૯ વિક્રમો નોંધાયા હતા. આ પ્રોજેક્ટ પર કામ કરતાં બન્ને પાઈલટો સ્વભાવે સાહસિક છે. પિકાર્ડે ૧૯૯૯માં બલૂનમાં બેસી પૃથ્વીનો પ્રવાસ ખેડયો હતો. એવું કરનારા તેઓ ત્યારે પ્રથમ હતા. તો બ્રોશબર્ગ સ્વિત્ઝર્લેન્ડની વાયુસેનામાંથી નિવૃત્ત થયેલા ફાઈટર પાઈલટ છે. હેલિકોપ્ટર ક્રેશ અને બરફ નીચે દટાઈને જીવતા નીકળવા સહિતના અનેક અકસ્માતોનો બ્રોશબર્ગ સામનો કરી ચૂક્યા છે. વિમાન સફળતાપૂર્વક લેન્ડ થયાં પછી પિકાર્ડે કહ્યું હતું કે, આ ક્ષણની હું ૧૫ વર્ષથી રાહ જોતો હતો. વધુમાં તેમણે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી દસ-વીસ વર્ષમાં સોલાર પાવરથી અનેક વિમાનો ઉડતાં થશે.