વોશિંગ્ટનઃ યુકેની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. તેની પહેલી સફળ સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટે અંતરિક્ષમાં પ્રવાસનના દરવાજા ખોલ્યા છે. અમેરિકાના ન્યૂ મેક્સિકોના સ્પેસપોર્ટથી 11 ઓગસ્ટે રવાના થયેલી ફ્લાઇટમાં ત્રણ પ્રવાસી હતા. સ્પેસ પ્લેન ‘યુનિટી’ને લઈને મધરશિપ આકાશમાં ગયું હતું અને ત્યાં 44,000 ફૂટની સપાટીએ તેણે ત્રણ પ્રવાસી અને ત્રણ ક્રુ સાથેના સ્પેસ પ્લેનને હવામાં મૂક્યું હતું. આ પછી સ્પેસ પ્લેન પ્રવાસીઓને પૃથ્વી બહાર લઈ ગયું હતું અને તેમને વજનવિહીન અવસ્થાનો અનુભવ કરાવ્યો હતો. આ પછી તે પાછું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું, અને સફળ લેન્ડીંગ કર્યું હતું.
આ સ્પેસ ફ્લાઇટના ત્રણ પ્રવાસીમાં પૂર્વ બ્રિટિશ ઓલિમ્પિયન જ્હોન ગુડવિન પણ સામેલ હતા, જેમણે 18 વર્ષ પહેલાં કંપનીએ આ યોજના જાહેર કરી ત્યારે ટિકિટ ખરીદી હતી. 80 વર્ષના ગુડવિન અંતરિક્ષ પ્રવાસે જનારા પહેલા ઓલિમ્પિયન અને બીજા પાર્કિન્સન દર્દી બન્યા છે. તો ગેલેક્ટિકની સ્પર્ધામાં ટિકિટ જીતનારી એન્ટીગુઆની 18 વર્ષની એના મેયર્સ અને તેની 46 વર્ષની માતા કીશા શહાફે પણ અંતરિક્ષ પ્રવાસની માણી હતી. એના અને કીશા અંતરિક્ષમાં ઉડાન ભરનાર પહેલાં માતાપુત્રી બન્યાં છે. દરેકની ટિકિટનો ભાવ 2.5 લાખ ડોલર હતો, પણ આ ટિકિટ 2005માં બુક થઈ હતી. હાલમાં ટિકિટનો ભાવ 4.5 લાખ ડોલર છે. ન્યૂ મેક્સિકોના સ્પેસપોર્ટ અમેરિકાથી ઉડાન ભર્યાના લગભગ એક કલાક બાદ તમામ પ્રવાસીઓ સકુશળ ધરતી પર પરત ફર્યા હતા.